Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

આજે ૨૬ નવેમ્બર એટલે ભારતીય બંધારણ દિવસ

વિશ્વના એકમાત્ર હસ્તલિખિત બંધારણમાં ''વસુદેવકુટુંબકમ'' ના સૂત્રને સાર્થક બનાવ્યુ : ભારતીય બંધારણે દેશ અને વિદેશમાં દરેક નાગરિકોને વિશિષ્ટ હકકો-ફરજો આપી અને સંઘ અને રાજ્ય સરકારને કર્તવ્યોથી બાંધી નાગરિક હિતને સર્વોપરી રાખ્યા

''બંધારણ દિવસ''જેને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના બંધારણને અપનાવવાની સ્મૃતિમાં દર વર્ષે ૨૬ નવેમ્બરે ભારતમાં ઉજવવામાં આવે છે. ૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ, ભારતની બંધારણ સભાએ ભારતના બંધારણને અપનાવ્યું, અને તે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ અમલમાં આવ્યું.

વિશ્વના એકમાત્ર હસ્તલિખિત બંધારણમાં ''વસુદેવકુટુંબકમ''  ના સૂત્રને સાર્થક બનાવ્યુ છે. વિશ્વના નાગરિકોને પણ મૂળભૂત અધિકાર આપી સમાનતાનો સિધ્ધાંત સ્થાપિત કરવામાં આવ્યો છે. ઉપરાંત દેશના નાગરિકોને સમાનતા, સ્વતંત્રતા, જીંદગી જીવવા, સ્વતંત્ર રીતે ભાષા અને અભિવ્યકિતની આઝાદી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગ તેમજ લઘુમતી સમુદાયના લોકોને વિશેષ અધિકાર, બાળકો-મહિલાઓ માટે વિશિષ્ટ હકકો-અધિકારો આપવામાં આવ્યા છે. ઉપરાંત જેલના કેદીઓને પણ ન્યાયિક અધિકારો પ્રદાન કરવામાં આવ્યા છે. દેશમાં કોઈપણ નાગરિક ગમે તે જગ્યાએ  રહી શકે, વસવાટ કરી શકે છે. દેશનો નાગરિક કોઇપણ ધર્મ પાળી શકે, તેનો પ્રચાર- પ્રસાર કરી શકે છે. તેમજ નાગરિકોના અધિકારોનું હનન થયે વળતર મેળવવા તેમજ ન્યાયપાલીકા પાસે ન્યાય મેળવવા માટેના ઉપચાર પણ રીટ પીટીશનના અધિકારથી આપવામાં આવ્યા છે.

ભારતીય બંધારણ દ્વારા નાગરિકોને અધિકારોની સાથે સાથે ફરજો પણ નિભાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. દેશના નાગરિકોએ સ્વતંત્રતા સંગ્રામના લડવૈયાઓનું સન્માન જાળવવા, કુદરતી અને દેશની સંપતિનું જતન કરવા, નવા આવિષ્કાર-વૈજ્ઞાનિક સંશોધનોને -ોત્સાહન આપવા, પર્યાવરણનું રક્ષણ કરવા, ભારત દેશમાં ભાઈચારો, બંધુત્વ, બિનસાંપ્રદાયિકતા, અખંડિતતા, સમરસતા,સમાનતા, સામાજિક વ્યવસ્થા જાળવી રાખવા સહિતની ફરજોનું પાલન કરવાની જવાબદારી દેશના નાગરીકોને આપવામાં આવી છે. તેમજ બંધારણીય પદની ગરિમાને જાળવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

ભારતીય બંધારણે નાગરિક અધિકાર અને ફરજો સાથે સાથે દેશની સંઘ અને રાજ્ય સરકારને પણ રાજ્યનીતિના માર્ગદર્શન સિધ્ધાંતો સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં દેશના નાગરિકોની આરોગ્ય, સામાજિક વિકાસ, માનવીય વિકાસ, શિક્ષણ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, કાનુની સહાય, આંતરરાષ્ટ્રીય સ્તરે મદદ, મહિલા-બાળકો તેમજ પછાત વર્ગોને વિશિષ્ટ સહાય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સંઘ અને રાજ્ય સરકારને સોંપવામાં આવી છે. આમ કહી શકાય કે ભારતીય બંધારણમાં દેશહિત માટેના દરેક પ્રાવધાનો કરવામાં આવ્યા છે. (૨૫.૫)

:: સંકલન ::

ડો.પરવેઝ બ્લોચ

ઇન્ચાર્જ પ્રિન્સીપાલ 

લો કોલેજ -જુનાગઢ

મો.નં. ૯૯૭૯૫ ૫૩૯૯૫

ઇમેઇલ : p.y.bloch@gmail.com

(12:41 pm IST)