Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

કલ્યાણપુરના લાંબામાં લગ્નમાં હવામાં ફાયરીંગની ઘટનાના ૪ સામે ગુન્હો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા,તા. ૨૫ : કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે ગત તારીખ ૨૧મીના રોજ ચેતરીયા પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો હતો. રાત્રિના સમયે આ પરિવારને ત્યાં યોજાયેલા દાંડિયારાસ પ્રસંગમાં હથિયાર પરવાના ધરાવતા મેરામણભાઇ આલાભાઇ ચેતરીયા અને રાણાભાઇ આલાભાઇ ચેતરીયા તેઓની બાર બોરની ગન દાંડીયારાસ સમયે સાથે લઇ આવ્યા હતા.

ઉપરોકત બંને આસામીઓના પરવાનાવાળા હથિયાર મેળવી અને આ હથિયાર ચલાવવાનું લાયસન્સ ન હોવા છતાં અનુક્રમે જેઠાભાઇ મેરામણભાઇ ચેતરીયા અને વજશી રાણાભાઇ ચેતરીયા ગામના બે શખ્સોએ હવામાં ફાયરિંગ કર્યું હતું. લગ્ન પ્રસંગે યોજાયેલા દાંડીયારાસ કાર્યક્રમમાં અનેક પરીવારજનો હોય, અને આવા હથિયારમાંથી ફાયરિંગ થવાના કારણે કોઇ વ્યકિતનું મૃત્યુ થવાની પુરી સંભાવના વચ્ચે આ હથિયારના બે પરવાનેદાર તથા બે ફાયરિંગ કરનાર શખ્સો દ્વારા આ અપરાધ કરવામાં આવ્યો હતો.

લગ્નપ્રસંગમાં કાયદાનું ઉલ્લંઘન કરીને પાક રક્ષણના હથિયારોમાંથી ફાયરિંગ થવા અંગેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આથી કલ્યાણપુરના પી.એસ.આઇ. એફ.બી.ગગનીયાએ જાતે ફરિયાદી બની અને ઉપરોકત ચારેય શખ્સો સામે આઇ.પી.સી. કલમ ૩૦૮ તથા આર્મ્સ એકટ અને જી.પી. એકટની જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધી, જુઠાભાઇ મેરામણભાઇ ચેતરીયાની ગઇ કાલે અટકાયત કરી હતી.

(12:52 pm IST)