Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સરકાર નિયુકત સિન્ડીકેટ સભ્યોને શુભેચ્છા

જુનાગઢ, તા.ર૬:  ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ નોટીફીકેશન મુજબ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢના સરકાર નિયુકત ચારેય એકઝીકયુટીવ કાઉન્સીલ મેમ્બર્સ (સિન્ડીકેટ સભ્યો)ને સતત બીજી ટર્મ માટે રીપીટ કરવામાં આવ્યા છે.

ત્રણ વર્ષની પ્રથમ ટર્મ દરમ્યાન શિક્ષણલક્ષી, વિદ્યાર્થીલક્ષી, સમાજલક્ષી, જેવી તમામ પ્રવૃતિઓમાં યુનિવર્સિટીને હકારાત્મક સહકાર આપીને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ચંદ્રેશભાઇ હેરમા (જુનાગઢ), ભાવનાબેન અજમેરા (મેંદરડા), ડો. જયભાઇ ત્રિવેદી (માંગરોળ) તથા પ્રો. જીવાભાઇ વાળા (વેરાવળ-સોમનાથ)ની સરકાર દ્વારા પણ સરાહનના કરવામાં આવી હતી.

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.(ડો.) ચેતનભાઇ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને પસંદગી પામેલા ચારેય ઇ.સી. મેમ્બર્સને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જેમાં કુલપતિશ્રી ઉપરાંત રજીસ્ટ્રાર ડો. મયંક સોની, પરીક્ષા નિયામક ડો.ડી.એચ. સુખડીયા, પ્રો. એ.એચ. બાપોદરા, પ્રો. સુહાસ વ્યાસ, ડો. ભાવસિંહ ડોડીયા, ડો. ફીરોઝ શેખ, ડો. વિશાલ જોષી સહિતના અનુસ્નાતક ભવનના અધ્યક્ષો જોડાયા હતાં.

આ પ્રસંગે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.(ડો.) ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સતત બીજી ટર્મ માટે રીપીટ થનાર ચારેય ઇ.સી. મેમ્બર્સનું માર્ગદર્શન હંમેશા પ્રાપ્ત થયું છે. હજુ પણ 'સૌનો સાથ, સૌનો વિકાસ' સુત્રને ટીમવર્કથી સાર્થક કરવામાં તમામનો સહયોગ મળી રહેશે તેવો દૃઢ વિશ્વાસ અંતમાં વ્યકત કર્યો હતો.

(12:59 pm IST)