Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ધ્રોલના તત્કાલીન અધિક મદદનીશ ઇજનેર પરમારની જામનગરમાં અટક

જામજોધપુરના ચુર ગામના બે તત્કાલીન સરપંચ બાદ હવે

ચુર ગામના વિકાસ કામોમાં કાગળ ઉપર કામો કરી સરકારને ૧.૮૯ લાખનો ચુનો લગાવવામાં બે તત્કાલીન સરપંચોની ધરપકડ બાદ આ ગુન્હામાં તત્કાલીન અધિક મદદનીશ ઇજનેર આરોપી દર્શન હસમુખભાઇ પરમારની એ.સી.બી. દ્વારા ધરપકડ કરવામાં આવી છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૬: જામજોધપુર તાલુકાના ચુર ગામમાં ચુર ગ્રામ પંચાયત દ્વારા સને ર૦૧૬ થી સને ર૦૧૭ ના વર્ષમાં સરકારશ્રીની ૧૪માં નાણાપંચના વિકાસના કામો પૈકી રબારીવાસમાં પાણીની ટાંકી તથા ગામ તળમાં પાઇપ લાઇનનું કામ થયેલ ન હોવા છતાં આ બન્ને કામ પેટે રૂ. ૧,૮૯,૪૦૦/-નું સબંધીતોને ગેરકાયદેસર ચુકવણું કરી તથા આ ચુકવણું કરતા પુર્વે જવાબદાર અધિકારી કર્મચારીઓએ સ્થળ ઉપર કામ થયાની ખાતરી કર્યા વગર માપપોથીમાં ખોટા માપોની નોંધ કરી, ગેરરીતી આચરી, સબંધીતોના નામના વાઉચરો બનાવી, ખોટુ દસ્તાવેજી રેકર્ડ .ભું કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી, સરકારી નાણાની ઉચાપત કરેલ જે અંગે જામનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦પ/ર૦ર૦ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૦૯, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧ર૦(બી), ૩૪ તથા ભ્ર.નિ. અધિ. સને ૧૯૮૮ (સુધારો-ર૦૧૮) ની કલમ-૧૩(૧)(એ), ૧૩(ર) તથા ૧ર મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો. જે ગુન્હાની તપાસના કામે અગાઉ આરોપી (૧) શ્રીમતી મુરીબેન નથુભાઇ રાઠોડ (ર) નિતેશસિંહ ગંભીરસિંહ જાડેજા બન્ને તત્કાલીન સરપંચની તા. રર-૧૧-ર૦ર૦ના રોજ ધરપકડ કરવામાં આવેલ હતી.

જામજોધપુર તાલુકાના ચુર ગામે પાણીનો ટાંકો તથા પાણીની પાઇપલાઇન નહીં બનેલ હોવા છતાં ખોટી માપપોથી બનાવી, ખોટું કમ્પલીશન સર્ટીફીકેટ તૈયાર કરી સરકારશ્રીને આર્થીક નુકશાન કરાવેલ હોવાના પુરાવા આધારે એ.પી. જાડેજા, મદદનીશ નિયામક, રાજકોટ એકમના માર્ગદર્શન મુજબ તપાસ કરનાર અધિકારી એ. ડી. પરમાર પોલીસ ઇન્સપેકટર એ.સી.બી. પો. સ્ટે. જામનગરનાઓએ ગુન્હાના કામે આરોપી દર્શનભાઇ હસમુખભાઇ પરમાર, ઉ.વ. ૩૪, ધંધો નોકરી તત્કાલીન અધિક મદદનીશ ઇજનેર, વર્ગ-૩, માર્ગ અને મકાન પેટા વિભાગ (પંચાયત), જામજોધપુર હાલ અધિક મદદનીશ ઇજનેર, માર્ગ અને મકાન પેટા વિભાગ, ધ્રોલ રહે. ગુલાબનગર ઢાળીયો-ર, પોસ્ટ ઓફીસ સામે, જામનગરની અટક કરેલ છે.

(11:48 am IST)