Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખેત ઉત્પાદન લેવાની જાણકારી સમય અને ખરીદી વચ્ચે સમય વધારવા માંગણી

વિક્રમભાઇ માડમ દ્વારા રાજયના કૃષિ મંત્રીને રજૂઆત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૬ : દેવભૂમી દ્વારકા તથા અન્ય જિલ્લાઓમાં ટેકાના ભાવે મગફળી,કપાસ અને બીજા ખેત ઉત્પાદનો ખેડૂતો પાસેથી લેવા માટે ખેડૂતોને ખરીદ કેન્દ્ર દ્વારા જાણકારી કરવાના સમય અને ખરીદ કરવાના સમય વચ્ચેના ગાળાનો સમય વધારી આપવા બાબતે ધારાસભ્ય વિક્રમભાઇ માડમે કૃષિમંત્રીને રજૂઆત કરી છે.

દેવભૂમી દ્વારકા તથા અન્ય જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી મગફળી, કપાસ તથા બીજા જે ખેત ઉત્પાદનો પાક ખરીદ કેન્દ્રમાં રજી. કરાવેલ ખેડૂતો પાસેથી લેવા માટે પાક ખરીદ કેન્દ્ર દ્વારા ખેડૂતોના ખેત ઉત્પાદન ખરીદ કરવાના સમય અગાઉ માત્ર ૧૦ થી ૧૨ કલાકનો સમય રાખી જાણ કરવામાં આવતો હોવાથી ખેડૂતોને પોતાનો પાક ખરીદ કેન્દ્રોમાં પહોચાડવા માટે તૈયારી કરવાનો ટુંકો સમય મળવાથી ખેડૂતો દ્વારા પાક ખરીદ કેન્દ્રના કર્મચારીએ નકકી કરેલ સમયે મગફળી, કપાસ કે અન્ય ખેત ઉત્પાદન પહોચાડી શકાતા નથી તેમ રજૂઆતમાં જણાવેલ.

ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનો ખરીદ કેન્દ્ર દ્વારા ખરીદ કેન્દ્રમાં પહોચાડવા માટેની જાણ કરવામાં આવે છે ત્યારે ખેડૂતોએ મગફળીના કોથળા ભરવા તેમજ કપાસની ગાંસડીઓ તૈયાર કરવી, વાહન વ્યવસ્થા કરવી, મજૂરોની વ્યવસ્થા કરવી અને અન્ય કામગીરી જેવી કે, મગફળી, કપાસની ગાંસડીઓ કે કોથળા તૈયાર કર્યા પછી ટ્રેકટર કે વાહનોમાં ચડાવવા, વાહનોમાં દોરડાઓથી પેક કરવા તથા ખેત ઉત્પાદનો ખેડૂતોના અંતરીયાળ સ્થળે આવેલ વાડી કે ખેતરમાંથી ખરીદ કેન્દ્રમાં પહોચાડવા વગેરે કામગીરી માટે પાક ખરીદ કેન્દ્ર દ્વારા અપાતા દશ થી બાર કલાકનો સમય ઘણો જ ટુંકો પડતો હોવાથી ખરીદ કેન્દ્ર દ્વારા ખેડૂતોને ખેત ઉત્પાદન ખરીદ કેન્દ્રમાં પહોચાડવાના સમય અને ખેડૂતને આ બાબતની જાણ કરવાના સમય વચ્ચે અંદાજે ચોવીસ થી અડતાલીશ કલાકનો રાખવાની ખેડૂતોની તથા અન્યોની માંગણી અત્યંત વ્યાજબી હોય તો તે પ્રમાણે માંગણી મુજબનો સમયગાળો રાખવાની વ્યવસ્થા કરવા રજૂઆતમાં જણાવ્યુ છે.

(11:36 am IST)