Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

કાળમુખો કોરોના - સુરેન્દ્રનગરમાં ૪ના મોત : ભાવનગર - કચ્છમાં ૧૯ કેસ

કચ્છમાં કોરોનાનો ટેસ્ટ કરતી સરકારી લેબમાં સામગ્રી ખુટી ?, RTPCR ટેસ્ટ માટે લોકો પરેશાન : સુરેન્દ્રનગરના ૩ વૃધ્ધ અને ૧ વૃધ્ધાનો એક જ દિ'માં ભોગ લેવાતા ફફડાટ : : વધુ ૨૦ પોઝિટિવ નોંધાયા : ખંભાળિયામાં ૬ કેસ

રાજકોટ તા. ૨૬ : સૌરાષ્ટ્ર - કચ્છમાં કોરોના વધુ પ્રમાણમાં ફેલાઇ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં એક જ દિ'માં ૪નો ભોગ લેવાતા ફફડાટ વ્યાપી ગયો છે તો કચ્છમાં પણ સંક્રમણ યથાવત રહ્યું છે. કચ્છમાં ૧૯, ભાવનગર-૧૯ અને સુરેન્દ્રનગરમાં વધુ ૨૦ પોઝિટિવ કેસ નોંધાયા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ કેસ ૩૦૨૨

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને દિન-પ્રતિદિન લોકલ સંક્રમણ વધતાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે ત્યારે જિલ્લામાં કોરોનાને ધ્યાને લઈ લોકોમાં ચીંતા જોવા મળી રહી છે તેમજ બીજી બાજુ જિલ્લામાં કોરોનાથી મોતની સંખ્યા પણ દિન-પ્રતિદિન વધતાં તંત્ર સહિત લોકો માટે ચીંતાનો વિષય બન્યો છે.

માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં અનલોક દરમ્યાન કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતાં દરરોજ બીનસત્ત્।ાવાર રીતે અંદાજે ૩૦થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે જો કે સરકારી ચોપડે માત્ર મર્યાદિત કેસો જ દર્શાવવામાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં એક જ દિવસમાં વધુ ૨૦ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૩૦૨૨ થયો હતો.

આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશન અથવા શહેરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જયારે એક જ દિવસમાં જિલ્લામાં ચાર વ્યકિતના કોરોનાથી મોત પણ નીપજયું હતું જેમાં સુરેન્દ્રનગરના ૭૫ વર્ષ પુરૂષ, ૬૭ વર્ષ પુરૂષ, ૭૫ વર્ષ મહિલા અને ૬૧ વર્ષ પુરૂષનો સમાવેશ થાય છે.આ દર્દીની કોરોનાની ગાઈડલાઈન મુજબ શહેરના મુખ્ય સ્મશાન ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી.

વધતા કેસો વચ્ચે સબ સલામતની  વાતો માત્ર કાગળ ઉપર ?

ભુજના પ્રતિનિધિ વિનોદ ગાલાના અહેવાલ મુજબ કચ્છમાં કોરોનાના નવા કેસોની વધતી સંખ્યા અને સરકાર અને સ્થાનિક તંત્રની સબ સલામતની વાતો વચ્ચે લોકો અટવાઇ રહ્યા છે. જોકે, સૌથી વધુ હેરાન પરેશાન મુંબઈ જનારા લોકો છે. એક બાજુ મહારાષ્ટ્ર સરકાર આરટીપીસીઆર ટેસ્ટ માટે આગ્રહ રાખે છે, બીજી બાજુ કચ્છથી મુંબઈ જનારા લોકો માટે આરટીપીસીઆર ટેસ્ટ કરવા સંદર્ભે મુશ્કેલી પડી રહી છે. આરટીપીસીઆર ટેસ્ટ કરતી કચ્છની એક માત્ર સરકારી લેબ અદાણી જીકે જનરલમાં સામગ્રી ખુટી હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે, અદાણી જીકે જનરલના મેડીકલ સુપ્રી. દ્વારા આ વાતને રદિયો આપી અત્યારે ટેસ્ટ ચાલુ હોવાનો ખુલાસો કરાયો છે. જયારે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા માંગતા નાગરિકોને કોરોનાના લક્ષણ હોય અને સબંધિત તબીબ દ્વારા ટેસ્ટ સાથે હોસ્પિટલમાં દાખલ કરવાની સુચના હોય તો જ ટેસ્ટ કરાય છે. મુંબઈ જવા ઇચ્છ્નારાઓ માટે ટેસ્ટ ફરજિયાત હોઈ ખાનગી લેબમાં આરટીપીસીઆર ટેસ્ટના સરકારના ૧૫૦૦ રૂપિયાના ભાવ બાંધણા સામે વધુ ભાવ બોલાતા હોવાની ચર્ચા છે. જોકે, કચ્છના આરોગ્યતંત્રએ વધુ ભાવ અંગે કોઈ લેબની ફરિયાદ આવી ન હોવાનો ખુલાસો કર્યો છે. દરમ્યાન કચ્છમાં કોરોનાના નવા ૧૯ કેસ સાથે એકિટવ દર્દીઓની સંખ્યા વધીને ૨૧૬ થઈ છે. કુલ કેસ ૩૧૫૪ અને સાજા થનાર દર્દીઓ ૨૮૨૦ થયા છે.

ભાવનગરમાં ૧૫ દર્દીઓ કોરોનામુકત

ભાવનગર જિલ્લામા વધુ ૧૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૧૧૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૪ પુરૂષ અને ૨  સ્ત્રી મળી કુલ ૧૬ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમાં મહુવા તાલુકાના તરેડ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના હડમતીયા ગામ ખાતે ૧ તેમજ તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

મહાનગરપાલિકાના ૧૪ તેમજ તાલુકાઓના ૧ એમ કુલ ૧૫ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૫,૧૧૯ કેસ પૈકી હાલ ૫૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૯૮૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

દેવભૂમિ જિલ્લામાં એકટીવ પોઝિટિવ બાવન

ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રોજ કોરોના મહામારીના સંદર્ભમાં પોઝિટિવ કેસોમાં વધારો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આગલા દિવસે ચાર પોઝિટિવ બાદ ગઇકાલે ૬ પોઝિટિવ કસો નોંધાયા હતા. જેમાં ભાણવડ અને કલ્યાણપુરમાંથી બે-બે અને ખંભાળીયા અને દ્વારકામાંથી એક-એક મળી કુલ ૨૦ કેસો નોંધાતા આ તમામને ખંભાળિયા સરકારી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરાયા હતા.

નંદાણા તા. કલ્યાણપુરમાં એક, ગોપાલ વાટીકા ડી.એન.સોસાયટી, દ્વારકામાં એક, વાડી વિસ્તાર ખાખરડા તા. કલ્યાણપુરમાં એક, ખંભાળીયા શહેરમાં એક તથા ભાણવડના વસંતપુરમાં એક અને શંકર મંડલી સામે ભાણવડમાં એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. જ્યારે ગઇકાલે એકપણ દર્દી સાજા થયા નહતા જેથી ડિસ્ચાર્જ એકપણ થયા નથી.

ગઇકાલ સુધીમાં ૫૨ કેસ એકિટવ પોઝિટિવ કોરોનાના જિલ્લામાં નોંધાયેલા છે.

(11:05 am IST)