Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

હૈદરાબાદ નગરનિગમના ચૂંટણી પ્રચારમાં ગુજરાત ભાજપની ટીમે મોરચો સંભાળ્યો

સહપ્રભારી પ્રદિપસિંહ વાઘેલા સાથે કચ્છના હિતેશ ખંડોર, સિહોરના ધવલ દવે, મોરબીના પ્રજ્ઞેશ વાઘેલા સહિતના આગેવાનો પ્રચારમાં વ્યસ્ત

(ભુજ) હૈદરાબાદ નગર નિગમની ૧લી ડિસેમ્બરના ચુંટણી છે. ૧૫૦ બેઠકો ધરાવતા હૈદરાબાદ નગરનિગમમાં ૧૦૧ બેઠકો સાથે ટીઆરએસ હાલે શાસનમાં છે. જયારે ઓવેસીની પાર્ટી પાસે ૩૯ બેઠકો છે. આ વખતે ભાજપે નગરનિગમનો જંગ લડવા ભુપેન્દ્ર યાદવને પ્રભારી તરીકે કાર્યભાર સોપ્યો છે. જોકે, ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ માટે ગૌરવની વાત એ છે કે, સહપ્રભારી તરીકેની જવાબદારી સંભાળતા પ્રદીપસિંહ વાઘેલા સાથે ભાજપના અન્ય યુવા આગેવાનો પણ ચુંટણી પ્રચારમાં જોડાયા છે.

જેમાં કચ્છ જિલ્લા ભાજપના મંત્રી હિતેશ ખંડોર, મોરબી જિલ્લા ભાજપના મંત્રી પ્રગ્નેશ દવે, મૂળ સિહોરના અને ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રદેશ મંત્રી ધવલ દવે ઉપરાંત પ્રવિણ માલી, હાર્દિકસિંહ ડોડીયા, હરેન્દ્રસિંહ ગોહિલ સહીતના યુવા આગેવાનો ભાજપ વતી આક્રમક ચુંટણી પ્રચાર કરી રહ્યા છે. ગુજરાત ભાજપના આ યુવા આગેવાનો એલ.પી. નગર વિધાનસભા હેઠળ આવતી ૧૧ બેઠકો ઉપર ચુંટણી પ્રચાર સાથે ડોર ટુ ડોર સંપર્ક કરી રહ્યા છે.

હૈદરાબાદના ગુજરાતી બહુમતી ધરાવતા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ ખુબ જ લોકપ્રિય હોવાનું કચ્છ ભાજપના યુવા અગ્રણી હિતેશ ખંડોરે 'અકિલા'ને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ હાલમાં જ કચ્છની અબડાસા વિધાનસભાની પેટાચુંટણીમાં પણ પ્રચારની જવાબદારી સંભાળી હતી. જેમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી.

(11:34 am IST)