Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ગયા ઓક્ટોબરમાં ગીરના જંગલમાં વાયરસનો ભોગ બનેલા ૩૩ જેટલા સિંહોને શિકારની આદત છૂટી ગઇ હોવાથી જંગલમાં નહિ છોડવાનો નિર્ણય

અમદાવાદ :ગત ઓક્ટોબર મહિનામાં ગીરના જંગલમાં પ્રાણીઓ માટે જીવલેણ કહી શકાય તેવો સીડીસી એટલે કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ ફેલાયો હતો. જેની સૌથી મોટી અસર એશિયાટીક લાયન્સને થઈ હતી. આ વાયરસને કારણે ગીરમાંથી ટપોટપ 23 સિંહોના મોત થયા હતા. જેને પગલે વનવિભાગ પણ દોડતું થયું હતું. આગમચેતીના ભાગરૂપે ગીરના કેટલાક સિંહોને એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા અને તેમનું રસીકરણ કરાયું હતું. જોકે, હવે પૂરતી ચકાસણી કરાયા બાદ એક પણ સિંહમાં આ વાયરસ ન મળી આવતા હવે આ 33 સિંહોને કેદમાંથી મુક્તિ મળશે. પરંતુ તેઓ જંગલમાં કુદરતી વિહાર નહિ કરી શકે. આ પાછળ એક ચોક્કસ કારણ છે.

શા માટે કુદરતી વિહાર નહિ કરી શકે

કેનાઈન વાયરસ લાગ્યા બાદ 33 જેટલા સિંહોને જામવાળા ખાતે ઓર્બ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. આ તમામ સિંહો હવે વાયરસમુક્ત બની ગયા છે. પરંતુ છેલ્લા એક વર્ષથી તેમની શિકાર કરવાની આદત છૂટી ગઈ છે. આવામાં જો સિંહોને જંગલમાં છોડવામાં આવે તો તે તેમના માટે ખતરારૂપ બની શકે છે. તેથી તેઓને જંગલમાં નહિ છોડવાનો નિર્ણય લેવાયો છે.

તો શું કરાશે...

આ તમામ 33 સિંહોનો ઉપયોગ સાવજનો બ્રીડિંગ માટે લેવાશે તેવો વનવિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે. વન વિભાગે આ તમામ સિંહોને તંદુરસ્ત જાહેર કર્યાં છે. તેથી હવે તેઓનો ઉપયોગ બ્રીડિંગ માટે કરાશે. જેથી આમ, સિંહોની સંખ્યા પણ વધારી શકાશે.

ઉલ્લેખનીય છે કે, કેનાઈન ડિસ્ટેમ્પર જેવા વાયરસના હાહાકાર બાદ હવે ગીરનું જંગલ રોગમુક્ત બન્યું છે. વન વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનામાં સિંહોને પાર્કમાં લાવીને તેમનું રસીકરણ કરાયું હતું. સમયાંતરે રસી આપતા અનેક સિંહોના માથા પરથી ઘાત ટળી હતી. ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધી સીડીસી વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી.

વર્ષો પહેલાં આફ્રિકાના તાન્ઝાનિયાના જંગલમાં પણ સિંહો ઉપર કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ ત્રાટક્યો હતો અને સિંહોની વસ્તીના 30 ટકા એટલે કે, 1000 જેટલા સિંહોના મોત થયા હતા. તે વખતે પણ દુનિયાભરના નિષ્ણાતો આફ્રિકા પહોંચ્યા હતા અને જંગલ વિસ્તારનાં તમામ પાલતુ પશુ અને રખડતા કુતરાઓને રસી આપવામાં આવીહતી. ત્યાર બાદ મોતનો સીલસીલો બંધ થયો હતો. કેનાઇન ડિસ્ટેમ્પર વેક્સીન અને રેબીઝની રસીના ઇન્જેક્શન આપવાથી જે તે પ્રાણીઓમાં રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે અને ચેપ ફેલાતો અટકે છે.

(5:06 pm IST)