Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

સુરેન્દ્રનગરના રતનપરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારીએ ઝેરી દવા પી લેતા સારવારમાં

પાંચ શખ્સ પાસેથી ૭ થી ૧પ ટકા વ્યાજે નાણા લીધા'તા

વઢવાણ, તા. ર૬ :  રતનપર વિસ્તારમાં આવેલ નરોતમ ચેમ્બર્સમાં રહેતાં મનીષભાઈ કાનજીભાઈ કાલીયા આરટીઓ એજન્ટનું કામ કરતાં હતાં તે દરમ્યાન સ્પીડ ગર્વનરના ધંધામાં ખોટ જતાં પાંચ જેટલાં શખ્સો પાસેથી અલગ-અલગ રકમ અલગ-અલગ વ્યાજના દરે લીધી હતી.

આ તમામ શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધા બાદ ફરિયાદી છેલ્લા બે મહિનાથી વ્યાજ ચુકવી ન શકતાં ફરિયાદી મનીષભાઈને માનસીક ત્રાસ આપી કડક પઠાણી ઉદ્યરાણી કરતાં હતાં જેના અવાર-નવાર ત્રાસથી કંટાળી મનીષભાઈએ કપાસમાં છાંટવાની દવા પી જતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં.

જે અંગે ભોગ બનનારે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ મહિલા પીએસઆઈ એચ.એમ.રબારી ચલાવી રહ્યાં છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે ફરી એક યુવકે પાંચ જેટલા વ્યાજખોરોના માનસીક ત્રાસથી કંટાળી કપાસમાં છાંટવાની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જયારે ફરિયાદ મુજબ તમામ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

વ્યાજખોરોનાં નામ અને વ્યાજે આપેલી રકમ

રતનપર ખાતે રહેતાં મનીષભાઈ કાલીયાએ ધંધામાં ખોટ જતાં પાંચ શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતાં જેમાં શબ્બીરભાઈ દિવાન રહે. રતનપર બાયપાસ રોડવાળા પાસેથી રૂ. ૧,૦૦,૦૦૦ (૧૫% વ્યાજે), રાજુભાઈ શાહ રહે.જોરાવરનગર રૂ. ૬,૫૦,૦૦૦ (૭%વ્યાજ), યોગેશભાઈ રહે.રતનપર રૂ. ૧,૦૦,૦૦૦ (૭% વ્યાજ), ઈશ્વરભાઈ સતવારા રહે.રતનપર પાસેથી રૂ. ૫૦,૦૦૦ (૧૦% વ્યાજ) અને પરષોત્ત્।મભાઈ રહે.જોરવરનગર રૂ. ૩,૦૦,૦૦૦ (૭% વ્યાજ) લેખે લીધા હતા આમ કુલ મળી કુલ રૂ. ૧૨,૦૦,૦૦૦ વ્યાજે લીધા હતાં.

(1:11 pm IST)