Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

હડાળાના કડવા પટેલ યુવાન ધર્મેન્દ્રનું હૃદય બેસી ગયું: ભરણપોષણનો કેસ થતાં સતત ચિંતામાં હતો

૩૨ વર્ષિય યુવાન રેલનગર ફાયર બ્રિગેડમાં કોન્ટ્રાકટ પર ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતોઃ પરિવારમાં ગમગીનીઃ પત્નિ વર્ષાબેન એક વર્ષથી જુનાગઢ રિસામણે છે

રાજકોટ તા. ૨૬: કુવાડવાના હડાળા ગામે રહેતાં ધર્મેન્દ્રભાઇ લાલજીભાઇ ચાઢડીયા (ઉ.૩૨) નામના કડવા પટેલ યુવાનને સવારે છએક વાગ્યે છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

મૃત્યુ પામનાર ધર્મેન્દ્રભાઇ બે બહેનનો એકનો એક નાનો ભાઇ હતો. હાલમાં તે રેલનગર ફાયર બ્રિગેડમાં હંગામી ધોરણે ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. ધર્મેન્દ્રભાઇના પિતા લાલજીભાઇએ જણાવ્યું હતું કે ધર્મેન્દ્રને સંતાનમાં એક પુત્ર છે. તેના પત્નિ વર્ષા એકાદ વર્ષથી જુનાગઢ રિસામણે ગયા છે અને હાલમાં ભરણ પોષણનો કેસ કર્યો હોઇ તેની નોટીસ આવતાં કેટલાક દિવસથી તે સતત ચિંતામાં રહેતો હતો અને આજે હૃદય બેસી ગયું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ કુવાડવા પોલીસને જાણ કરી હતી.

(11:56 am IST)