Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ખંભાળીયા ખાતે મહિલા સામાખ્ય કચેરી દ્વારા મહિલા સંમેલન યોજાયું

દેવભૂમિ દ્વારકા તા.૨૬: મહિલા સંમેલન કાર્યક્રમ સ્ત્રી શિક્ષણનો અભિનવ અને અનોખો પ્રયોગ છે. તેનું ધ્યેય ગ્રામીણ મહિલાઓમાં શૈક્ષણિક પ્રક્રિયાઓથી જાગૃતિ લાવી તેમને સમર્થશાળી બનાવવાનું છે. બહેનોમાં સામુહિક ચિંતન વડે, સ્વનિર્ણય શકિતના ઉપયોગથી, આત્મપ્રતિષ્ઠા અને આત્મવિશ્વાસનું નિર્માણ કરી તેઓ સામાજીક પરિવર્તનમાં ભાગીદાર બને તે સધળી પ્રકિયા માટે જરૂરી સમય અને મોકળાશની તક સર્જવાના હેતુસર મહિલા સામખ્ય કચેરી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના નગરપાલીકા હોલ ખાતે મહિલા સંમેલન યોજાયેલ.

સ્ત્રીમાં આત્મપ્રતિષ્ઠા અને આત્મવિશ્વાસ વિકસાવી તેને સમાજ અને અર્થતંત્રમાં પોતાના યોગદાનું મુલ્ય ઓળખવા સમર્થનશાળી બનાવીએ તેમ જણાવીને જિલ્લા પ્રાથમિકશિક્ષણાધિકારીશ્રી વાઢેરે જણાવ્યું કે, બાળકોને શિક્ષણથી વંચિત ન રાખો તેમણે સરકારી શાળામાં જ સંપુર્ણ શિક્ષણ આપવું જોઇએ. અને શિક્ષણ મેળવવું એટલે નોકરી મેળવી એવું નહિ પણ શિક્ષણ મેળવ્યા બાદ ધંધામાં પણ પ્રગતિ થઇ શકે છે.

જિલ્લા દહેજપ્રતિબંધક અધિકારી સોનલ વર્ણાગરે આ તકે જણાવ્યું હતુ કે, સ્ત્રી જ્ઞાન અને માહિતીની માંગ કરે તેવું વાતાવરણ ઉભું કરી તેને સ્વ અને સમાજના વિકાસમાં હકારાત્મક ભૂમિકા ભજવી શકે તે માટે સક્ષમ બનાવવી જોઇએ. આજે મહિલા સામખ્યનો સ્ત્રી વિકાસ, શિક્ષણ અને સમર્થતાની સફળ રણનિતી તરીકે સ્વિકાર થયો છે.

કાર્યક્રમનું સંચાલન રીટાબેન પટેલએ કર્યું હતું. આ તકે તાલુકા ઓફિસમાં ફરજ બજાવતી મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. તેમજ મતદાર જાગૃતિ અભિયાન, જેન્ડર વર્કશોપ, પર્યાવરણ વર્કશોપ વગેરે જેવી માહિતી ઉપસ્થિત રહેલ મહિલાઓને આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં અમદાવાદના મહિલા સામાખ્ય કચેરીના રમિલાબેન પારધી, દેવભૂમિ દ્વારકા મહિલા સામાખ્ય કચેરીના હર્ષાબેન ભટૃ અને હિરલ ચુડાસમા, વનસ્ટોપ સખીસેન્ટરની મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહયા હતા.

(11:36 am IST)