Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ભારતના શ્વેતક્રાંતિના પ્રણેતા ડો. વર્ગીસ કુરીયનના ૯૭માં જન્મ દિવસ નિમિતે બાઈક રેલી

ભાવનગર, તા. ૨૬ :. ૨૬ નવેમ્બર રાષ્ટ્રીય દૂધ દિવસ તથા ભારતના શ્વેતક્રાંતિના પ્રણેતા ડો. વર્ગીસ કુરીયનના ૯૭માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં બે અલગ અલગ ટીમ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં એક ટીમ જમ્મુ કાશ્મીરથી આણંદ સુધીની સફર ખેડશે જ્યારે બીજી ટીમ કચ્છથી આણંદ સુધીની સફર ખેડશે. કચ્છના લાખોદ ગામથી શરૂ થઈ રહેલી બાઈક રેલીમાં ૧૬ જેટલા નવયુવાનો જેમાં ૨ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ બાઈકર્સો રસ્તામાં ડો. વર્ગીસ કુરીયનનાં શ્વેતક્રાંતિના વિચારોથી પ્રભાવિત થઈ તેમના વિચારો પર ચાલનારા લોકો તથા ગામો, સહકારી દૂધ મંડળીઓ વિગેરેની મુલાકાત લેશે.

મિલ્ક ડેની ઉજવણી નિમિતે સરહદ ડેરી લાખોદથી શરૂ કરી રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી થઈ ભાવનગર જિલ્લાની સર્વોત્તમ ડેરી ખાતે પહોંચી હતી, ત્યારે ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સર્વોત્તમ ડેરીના એમ.ડી. એચ.આર. જોષી, જોઈન્ટ એમ.ડી. એમ.પી. પંડયા, સર્વોત્તમ ડેરીના વિશાળ સંખ્યામાં હાજર રહેલા કર્મચારીઓએ તમામ બાઈકર્સનું સ્વાગત કરેલ. તમામ બાઈકર્સનું હારતોરાથી સ્વાગત તેમજ બાઈકર્સ સાથે આવેલ જીસીએમએમએફના સેલ્સ મેનેજર અનિલભાઈ ગઢવીનું સન્માન કરેલ. સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં અલગ અલગ સુંદર કૃતિ નારી ગામની શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલ જેમા ઉપસ્થિત તમામને ડોલાવી દીધા હતા. એક કૃતિ 'છોગાળા તારા' શબ્દો પર તમામ મહેમાન બાઈકર્સ મન મુકીને નાચી ઉઠયા હતા.

આ બાઈક રેલી આણંદ પહોંચશે. જેમા અમુલ સાથે જોડાયેલ ગુજરાતના દરેક જિલ્લા સભ્ય સંઘમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. ડો. વર્ગીસ કુરીયનના વિચારોનું આદાન પ્રદાન કરી અનોખી ઉજવણી આણંદ ખાતે કરવામાં આવશે. બીજી ટીમ પણ આણંદ પહોંચશે. જીસીએમએમએફના અનિલ ગઢવીએ અમૂલની સિદ્ધિઓ વર્ણવી દેશમાં ડો. વર્ગીસ કુરીયનના યોગદાનને વર્ણવ્યું હતું.

આ પ્રસંગે સર્વોત્તમ ડેરીના એમ.ડી. એચ.આર. જોષીએ જણાવેલ કે ડો. વર્ગીસ કુરીયનના કાર્યકાળ એટલે કે ૧૯૨૧ થી ૨૦૧૨ દરમ્યાન તેઓશ્રીએ કરેલ અથાગ પ્રયત્નો ઘડી આજે અમૂલ બ્રાન્ડ વિશ્વમાં પ્રસિદ્ધ થઈ. આજે એશિયાના દરેક દેશોમાં અમૂલ બ્રાન્ડ પ્રોડકટ મળી રહી છે. એશિયા બહાર એટલે કે અમેરિકામાં પણ અમૂલનો પ્લાન્ટ ચાલુ થયેલ છે. જેના ઉદઘાટનમાં જવાનો મને મોકો મળ્યો હતો કે શ્રી કુરીયનને આભારી છે. તેઓએ તેમના ઓપરેશન ફલડની પ્રસંશા કરી હતી.

સિનીયર મેનેજર વાય.એચ. જોષીએ સંચાલન કરેલ. આભારવિધિ સિનીયર મેનેજર એન.યુ. ઝિંઝાળાએ કરેલ. કાર્યક્રમ સફળ બનાવવા સર્વોત્તમ ડેરીના કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.(૨-૮)

(11:54 am IST)