Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

જૂનાગઢના વિશ્વએ કમાલ કરી :એક હાથ ના હોવા છતાં નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ મેડલ જીત્યો

ગુજરાતના તમામ 14 સ્પર્ધકો જૂનાગઢના : અત્યાર સુધીમાં કુલ 12 મેડલ પ્રાપ્ત કર્યા

વિશાખાપટ્ટનમમાં નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં સમગ્ર દેશમાંથી 1842 સ્પર્ધકો ભાગ લઇ રહ્યા છે. જેમાં ગુજરાતના 14 સ્પર્ધકો છે જે તમામ જૂનાગઢના છે. જૂનાગઢના સ્પર્ધકોએ અત્યાર સુધીમાં કુલ 12 મેડલ પ્રાપ્ત કર્યા છે. જેમાં એક સ્પર્ધકને એક હાથ ન હોવા છતાં કરાટેમાં બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. હજુ 2 દિવસ બાકી છે જેમાં વધુ મેડલ મળવાની આશા છે. વિશેષ વાત એ છે કે આ 12 મેડલમાં 2 ગોલ્ડ મેડલ વિશ્વ પોસીયાએ મેળવ્યા છે. આ સ્પર્ધક માત્ર 1 જ હાથ ધરાવે છે. બીજો હાથ કોણીથી નીચે છે જ નહી. છતાં ભરપૂર આત્મવિશ્વાસથી તેણે કરાટે જેવી સ્પર્ધામાં ન માત્ર ભાગ લીધો બલ્કે ગોલ્ડ અને એ પણ 1 નહીં 2 મેળવી જૂનાગઢનું અને તેના માતા- પિતાનું નામ રોશન કર્યું છે.

 આ અંગે વિશ્વના પિતા પરેશભાઇએ જણાવ્યું હતું કે દુનિયામાં કંઇ અશક્ય નથી એ વાતને મારા પુત્રએ સાબિત કરી દીધી છે. જો કે આ અથાગ મહેનત, દ્રઢ આત્મવિશ્વાસ અને કુદરતની કૃપાનું પરિણામ છે. વિશ્વએ જ્યારે જીત મેળવી ત્યારે તેનું પરફોર્મન્સ જોઇ સ્ટેડિયમમાં ઉપસ્થિત સૌ કોઇ પોતાની જગ્યા પર ઉભા થઇ ગયા હતા અને ગોલ્ડ મેડલ મેળવ્યો ત્યારે અન્ય લોકોએ પણ ઉભા થઇ તેમનું સન્માન કર્યું હતું. 1 હાથે પણ ગોલ્ડ મેડલ મેળવી શકાય તે વાત એક જૂનાગઢના સ્પર્ધકે સાબિત કરી દીધી છે

(9:39 pm IST)