Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

કલ્યાણપુરનાં ચંદ્રાવાડામાં દારૂ પીવાની ૧૦ વર્ષથી ટેવના કારણે કંટાળીને આપઘાત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૨૬ : કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે રહેતા જેસાભાઇ ખીમાભાઇ મોઢવાડિયા નામના (૩૦ વર્ષ)ના યુવાનને છેલ્લા આશરે દસેક વર્ષથી દારૂ પીવાની ટેવ હોય, તે બાબતે તેને મનમાં લાગી આવતા પોતાના હાથે ઝેરી દવા પી લીધી હોવાથી તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના નાનાભાઇ સવદાસભાઇ ખીમાભાઇ મોઢવાડિયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

આપઘાત

આ ઉપરાંત અન્ય એક બનાવમાં ચંદ્રાવાડા ગામના દેવાભા છગનભાઇ કારાવદરા નામના (૩૫ વર્ષ)ના યુવાને કોઇ અકળ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેમનુ મૃત્યુ નિપજયું હતું. જે અંગે મૃતકના ભાઇ નારણભાઇ છગનભાઇ કારાવદરાએ કલ્યાણપુર પોલીસને જાણ કરી છે.

વિદેશી દારૂ સાથે બે પકડાયા

ખંભાળિયાના જડેશ્વર રોડ વિસ્તારમાં એક મંદિર પાસેથી પોલીસ મોટરસાયકલ પર નિકળેલા ભાટિયાના રહીશ ઘના કચરા વારમલ નામના ૨૭ વર્ષના શખ્સને રૂપિયા ૧૨૦૦ની કિંમતની વિદેશી દારૂની ત્રણ બોટલ ઉપરાંત એક મોબાઇલ ફોન અને મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૨૧,૨૦૦ના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.  આ દારૂ તેણે મોવાણ ગામના કરમણ જેસા ગઢવી નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબુલાત પોલીસ કરમણને હાલ ફરાર ગણી, આગળની તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત કલ્યાણપુર પોલીસે મૂળ કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના રહીશ અને હાલ ભાટિયા ખાતે રહેતા રામ ભારૂભાઈ બઢા નામના ૨૩ વર્ષના ગઢવી યુવાનને રૂ. ૧૨૦૦ની કિંમતની ત્રણ બોટલ વિદેશી શરાબ તેમજ એક મોબાઈલ ફોન સાથે ઝડપી લઈ પ્રોહીબીશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

ભાટિયામાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો

કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા ફુલા દુલા ઉલવા ગામના રબારી શખ્સને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા ૧૫ હજારની કિંમતના સ્પ્લેન્ડર મોટર સાયકલ પર નીકળતા ઝડપી લઈ, તેની સામે એમ.વી. એકટની કલમ મુજબ ગુન્હો નોંધ્યો છે.

(12:52 pm IST)