Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

પૂ.લાલબાપુના સ્વાગત માટે પોરબંદરના તમામ સમાજ, સંસ્થાઓમાં ઉત્સાહ

 રાજકોટઃ ઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજ્ય લાલબાપૂ પોરબંદરના આંગણે પધારી રહ્યાં છે. તેમને આવકારવા માટે અને તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે પોરબંદરના તમામ સમાજ અને સંસ્થાઓના આગેવાનોની એક બેઠકનું આયોજન રાજપૂત સમાજ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને દિપાવવા માટે તમામ સમાજ અને સંસ્થાઓએ સહયોગ આપવાની ખાત્રી આપી હતી. પૂજ્ય સંતશ્રી લાલબાપૂ સૌ પ્રથમ વખત પોરબંદરના આંગણે પધારી રહ્યાં છે. તા.ર૭મીના રોજ સવારે ૯ કલાકે પૂજ્ય લાલબાપૂ પોરબંદર પધારશે અને ત્યારબાદ એક ભવ્ય શોભાયાત્રા નિકળશે જે શહેરના રાજમાર્ગો ઉપર ફરીને છાંયા દરબારગઢ ખાતે પહોંચશે. આ ઉપરાંત તા.ર૮ ગુરૂવારે રાજવી પાર્ટી પ્લોટ ખાતે ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક ઉત્સવને લઇને રાજપુત સમાજના પ્રમુખ રાજભા જેઠવા દ્વારા એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. અને આ પ્રસંગ પોરબંદરનો પોતાનો હોય તે રીતે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

(12:44 pm IST)