Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

જામનગરના પ્રભારીની અધિકારીઓ-પદાધિકારીઓ સાથે બેઠક

જામનગર,તા.૨૬ : રાજ્યના શ્રમ અને રોજગાર પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામવિકાસ, ગ્રામ ગૃહનિર્માણ રાજ્યકક્ષાના મંત્રી અને જામનગરના પ્રભારી મંત્રીશ્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવેલ હતી.

આ બેઠકમાં મંત્રીએ જામનગર જિલ્લામાં સરકારની વિવિધ યોજના અંગે ચર્ચા કરી વર્તમાન કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં ખાસ નવી ગ્રામ પંચાયતોના નિર્માણ, પંચાયતની વિવિધ યોજના, વેકિસનેશન વિશે ચર્ચા કરાઇ હતી.

મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં પંચાયતી વ્યવસ્થાઓમાં ખાલી રહેલી જગ્યાઓને ભરી પંચાયતી કામગીરીને વધુ સુદ્રઢ કરવામાં આવશે તેમજ અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને આપવામાં આવતા ભોજનની યોજનાને વધુ વેગવંતી બનાવીને રાજ્યના વધુમાં વધુ શ્રમિકોને આ યોજનાનો લાભ મળે તે માટે માઈક્રો પ્લાનિંગ સાથે કામગીરી હાથ ધરાશે.

મંત્રીશ્રીએ પદાધિકારીઓ સાથે જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમની કામગીરી, કોવિડ વેકસીનેશનની કામગીરી અને ન્યુમોકોકલ વેકસીન વિષે લોકોને વધુમાં વધુ જાગૃતિ આવે અને તેનો વધુ બાળકોને લાભ મળે તે માટે લોકજાગૃતિ લાવવા વિષે ચર્ચા કરી હતી.

આ બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ  ધરમશીભાઈ ચનીયારા, પૂર્વ મંત્રી   ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી  દિલીપભાઇ ભોજાણી,  શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, કલેકટર ડો. સૌરભ પારધી, એ.એસ.પી શ્રી પાંડે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પાર્થ કોટડીયા ઉપસ્થિત રહ્યા હતા.

(12:18 pm IST)