Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

પોલીસ ગ્રેડ પે અને પગાર વધારાની માંગ સાથે સુરેન્દ્રનગર - ધ્રાંગધ્રા હાઇવે ઉપર ૨ કલાક ચક્કાજામ

પોલીસે તાબડતોબ પહોંચીને મામલો થાળે પાડયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૬ : સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઈવે ઉપર રાજસીતાપુર પાસે મોડી રાત્રે જાહેર જનતા દ્વારા આ રોડ ઉપર ઉતરી અને રોડ ચક્કાજામ કરવામાં આવ્યો છે જેને લઇને બે કલાક સુધી ટ્રાફિક જામ સર્જાઈ જવા પામ્યો છે. પોલીસ ઝિંદાબાદના નારા અને સૂત્રોચ્ચાર સાથે સરકાર પોલીસ નો ગ્રેડ વધારે અને પગારમાં પણ વધારો કરે તેવી માંગણી જાહેર રસ્તાઓ ઉપર કરી અને હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો છે.

હાઈવે ઉપર પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને બે કલાક સુધી ઉભા રાખી દેવામાં આવ્યા હતા અને આ મામલે તાત્કાલિક અને આજુબાજુના લોકો દ્વારા ધાંગધ્રા પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો જોકે સમયસર ધ્રાંગધ્રા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હોય અને તે થોડું હતું તેને સમજાવટ હાથ ધરવામાં આવતા ત્યારબાદ ખુલ્લો કરવામાં આવ્યો હતો.

ત્યારે બે કલાક સુધી અને છ કિલોમીટર સુધી લાંબી વાહનોની લાઇન લાગી જવા પામી હતી તેને અનેક વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકજામમાં અટકાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં ગુજરાત રાજય સરકાર દ્વારા પોલીસમાં ગ્રેડ પે અને પગાર વધારો કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ જિલ્લાવાસીઓ દ્વારા આપવામાં આવી છે તેવા સંજોગોમાં રાજસીતાપુર પાસે મોડીરાત્રે ચક્કાજામ કરવામાં આવ્યો છે અને ગુજરાત પોલીસના સમર્થનમાં લોકો રોડ ઉપર ઉતરી જવા પામ્યા છે.

(12:18 pm IST)