Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

જૂનાગઢમાં નિવૃત્ત વૃધ્ધના મકાનમાં ધમધમતા જુગારધામનો પર્દાફાશ

૬ જુગારીની રૂ. ૧.૦૬ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૨૬ : જૂનાગઢમાં નિવૃત્ત વૃધ્ધના મકાનમાં ધમધમતા જુગારધામનો તાલુકા પોલીસે પર્દાફાશ કરી ૬ જુગારીને રૂ. ૧.૦૬ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.

જૂનાગઢ નજીક ખામધ્રોળ રોડ ફાટક પાસે આવેલ માધવ પાર્કમાં રહેતા કાંતિલાલ મકનજી પોરડીયા (ઉ.વ.૬૯) નામના વૃધ્ધ તેમના મકાને બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમી મળતા તાલુકા પી.એસ.આઇ. ધોકડીયાના માર્ગદર્શનમાં કોન્સ્ટેબલ જાદવભાઇ વગેરેએ દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે જુગારધામનો સંચલક કાંતિલાલ પોરડીયા તેમજ જોશીપરાનો અલ્તાફ બ્લોચ, માંગરોળનો જિશન જહાંગીર શેખ, જૂનાગઢનો અયુબ ઉમરભાઇ ભોય, મુસ્તાક યાસીન મલેક અને દીપક જેન્તીભાઇ રાવલ સહિત છ શખ્સોને રૂ. ૧૬૦૭૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રોકડ તેમજ ૪ મોબાઇલ ફોન, બે મોટર સાયકલ અને ઓટો રીક્ષા મળી કુલ રૂ. ૧,૦૬,૫૭૦ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી તમામની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:15 pm IST)