Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

વડિયા સેવસેતુના કાર્યક્રમાં ૩.૩૦ કલાકે દુકાનો બંધ કરી દેતા લોકોને ધરમના ધક્કા

વડિયા, તા. ર૬ : ગુજરાત ની સાંપ્રત સરકાર લોકોને પોતાની સેવા આપવા માટે ગામડાઓમાં જઈને સેવા સેતુના નામથી કાર્યક્રમ કરતી હોય છે. આ કાર્યક્રમમાં તમામ તાલુકા લેવલ ની સરકારી કામગીરી વિનામૂલ્યે સરળ રીતે લોકોને આપવામાં આવે છે. તેમાં સરકાર ના પરિપત્ર મુજબ સવારના નવ કલાક થી સાંજ ના પાંચ વાગ્યાં સુધી લોકોની અરજીઓ સ્વીકારીને કામગીરી કરવાની હોય છે. પરંતુ ૩.૩૦ કલાકે જ પોતાના બિસ્ત્રરા સંકેલી લીધા બાદ આવેલા લોકોને કાર્યક્રમ પૂરો થતા ધરમના ધક્કા થતા જોવા મળ્યા હતા. ત્યારે આ કાર્યક્રમ લોકોની સેવાને બદલે અધિકારીઓની અનુકૂળતા માટે કરવામાં આવ્યો હતો તેવુ જોવા મળ્યું હતુ. આ ઉપરાંત મામલતદાર ઓફિસમાં પૂરતી સુવિધાઓ હોવા છતાં ઉપરના માળ ને ખાલી રાખી નીચે જનસેવા કેન્દ્ર માં અનેક સેવાઓના સ્ટોલ શરૂ કરવામાં આવતા લોકોની ભારે ભીડ જોવા મળી હતી તેમાં તમામ લોકો માસ્ક વિહોણા અને પડાપડી કરતા જોવા મળતા   સરકાર ની કોરોના ગાઈડ લાઈનના ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તો કાર્યક્રમની શરૂવાતમાં ઉદઘાટનમાં પણ અધિકારીઓ અને રાજકીય હોદેદારો માસ્ક વગર જ જોવા મળ્યા હતા. બીજી બાજુ મામલતદાર ઓફિસમાં કોઈ પણ કાર્યક્રમ કે સંકલનની મિટિંગ માં પણ પત્રકારોને ક્યારેય જાણ કરવામાં આવતી નથી ત્યારે પગલા લેવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.

(11:44 am IST)