News of Tuesday, 26th October 2021
કાળનો કોળીયો બની ગયેલા બે જુવાનજોધ મિત્રો ચિરાગ (લખનસિંહ જાદવ) અને યશ ઘેડીયા (ફોટોઃ અશોક બગથરીયા) : ટ્રકના ઠાઠામાં ધડાકાભેર અથડાયા બાદ ઇનોવા કારની હાલત કેવી થઇ ગઇ હતી તે તસ્વીરમાં જોઇ શકાય છે. ઘટના સ્થળે પોલીસે પહોંચી કાર્યવાહી કરી હતી (ફોટોઃ વિનોદ ગાલા-ભુજ)
રાજકોટ તા. ૨૬: કચ્છ ભુજના હાઇવે પર ભચાઉ નજીક ગત રાત્રે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં રાજકોટ મવડી વિસ્તારના રજપૂત યુવાન અને તેના મિત્ર કુંભાર યુવાનના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જ્યારે ત્રીજો યુવાન ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ છે. ટ્રાવેલ્સનું કામ કરતાં રજપૂત યુવાને નવી કાર લીધી હોઇ તે કોન્ટ્રાકટમાં મુકવાની હોઇ જેથી તે મુન્દ્રા પોર્ટ ખાતે તે ગયો હતો. સાથે તેના બે મિત્રો પણ જોડાયા હતાં. ત્યાંથી પરત ઇનોવા કારમાં રાજકોટ આવતી વખતે ઇનોવા કાર ટ્રકના ઠાઠામાં ઘુસી જતાં આ અકસ્માત સર્જાયો હતો. કરૂણતા એ છે કે ભોગ બનેલા બંને યુવાનો તેના પરિવારના એકના એક આધારસ્તંભ પુત્ર હતાં.
ભુજથી પ્રતિનિધી વિનોદ ગાલાના અહેવાલ મુજબ ગઇકાલે રાત્રે સર્જાયેલા પ્રાણઘાતક માર્ગ અકસ્માતમાં બે યુવાન કાળનો કોળિયો બની ગયા હતા. જ્યારે એકની હાલત ગંભીર હોઈ સારવાર હેઠળ છે. ભચાઉના બટિયા પુલ પાસે ઈનોવા કાર નં. જીજે૩બીવી-૨૭૭૨ અને ટ્રક વચ્ચે આ ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇનોવા કારનો બૂકડો બોલી ગયો હતો. તેમાં બેઠેલા રાજકોટ મવડી ૧૫૦ રીંગ રોડ જુના ઓમનગરમાં રહેતાં રજપૂત યુવાન ચિરાગ ઉર્ફ લખન ચેતનસિંહ જાદવ (ઉ.વ.૨૫) તથા તેના મિત્ર મવડી પ્રજાપતિ સોસાયટી પાસે ધરમનગર-૨માં રહેતાં સોરઠીયા પ્રજાપતિ કુંભાર યુવાન યશ ગોપાલભાઇ ઘેડીયા (ઉ.વ.૨૩)ના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતાં. જ્યારે ત્રીજા યુવાન વિજય બાબુભાઇ જેઠવાને ગંભીર ઇજા પહોંચતા ભુજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કાર ચિરાગ જાદવ ચલાવતો હતો.
રાજકોટના અહેવાલ મુજબ કાળનો કોળીયો બનેલો ચિરાગ (લખનસિંહ) જાદવ એસટી બસ સ્ટેશન પાછળ બલદેવ ટ્રાવેલ્સ નામે વ્યવસાય કરતો હતો. તેણે નવી ગાડી લીધી હોઇ તે મુંદ્રા પોર્ટમાં કોન્ટ્રાકટમાં મુકવાની હોઇ તે ત્યાં જતો હોઇ સાથે બે મિત્રો યશ ઘેડીયા અને વિજય જેઠવાને પણ લીધા હતાં. મુંદ્રા કામ પુરું કરી ત્રણેય મિત્રો ઇનોવા કારમાં પરત રાજકોટ આવવા નીકળ્યા હતાં ત્યારે ગત રાતે ભચાઉ પાસે ટ્રક રૂપી કાળ ભેટી જતાં બે મિત્રો ભોગ બની ગયા હતાં.
કરૂણતા એ છે કે મૃત્યુ પામનાર ચિરાગ જાદવ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેના પત્નિનું નામ પ્રિયંકાબા છે. તેના મોતથી ત્રણ વર્ષના દિકરાએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જ્યારે તેની સાથે મોતને ભેટલો યશ ઘેડીયા પણ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તે મોબાઇલ રિપેરીંગનું કામ કરતો હતો. ત્રીજો યુવાન ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક અને ઈનોવાને છૂટા કરવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. અકસ્માતના બનાવને પગલે ભચાઉ ડીવાયએસપી કે.જી. ઝાલા, પી.આઇ. જી.એલ. ચૌધરી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ટ્રક ચાલક જયંતીલાલ ઠાકરશી મઢવીએ આ બાબતે ભચાઉ પોલીસમાં લખાવેલી ફરિયાદ અનુસાર તેમની ટ્રકના પાછળના ઠાઠામાં પૂરઝડપે આવતી ઈનોવા કાર ભટકાતાં આ અકસ્માત સર્જાયો હતો.