Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ઇતિહાસકાર ડો. પ્રધ્યુમન ખાચરે ઇન્ટેકના રાષ્ટ્રીય સંમેલનમાં નવી દિલ્હી ખાતે ભાગ લઇ ગૌરવ અપાવ્યું

જુનાગઢ, તા. ર૬ : ઇન્ટેક યા ભારતીય સંસ્કૃતિ નિધિ ન્યાસની સ્થાપના ઇ.સ.૧૯૮૪માં નવી દિલ્હી ખાતે કરવામાં આવી છે. જે ભારતની બહુવિધ સાંસ્કૃતિક વિરાસત પ્રત્યે જાગૃતિ લાવવાનું તથા તેની જાળવણી માટેના બેનમૂન પ્રયત્નો કરે છે. આ સંસ્થા અંતર્ગત સ્થાપત્યોની જાળવણી, હેરિટેજ વોક, વેબીનાર, ઇતિહાસ અને વારસાની જાળવણી પ્રત્યેની સજાગતા વગેરે વગેરે પ્રવૃત્તિઓ ભારતભરમાં કરવામાં આવે છે.

આ સંસ્થાના ૨૧૧ થી વધુ ચેપ્ટર સમગ્ર ભારતભરમાં કાર્યરત છે જેમાં કાશ્મીર મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશમાં ખૂબ જ ઉત્તમ કાર્યો તેના નેજા હેઠળ થઈ રહ્યા છે જે ઠેકાણે ચેપ્ટર ખૂલે તેને તેનું નામ આપવામાં આવે છે જેમ કે જૂનાગઢ ચેપ્ટર બે દસકા થી કાર્યરત હતું પરંતુ તેમના કાર્યરત સભ્યો દિવંગત થતા એમાં ઓટ આવેલી આથી ઇન્ટેકના ગુજરાતના કન્વીનર રવિન્દ્ર વસાવડાની સૂચનાથી ચેરમેન  મેજર જનરલ કે. એસ. ગુપ્તાએ  ઇતિહાસકાર ડૉ. પ્રદ્યુમ્ન ખાચરને નવી દિલ્હી  તેડાવી તેમની સાથે વિચાર વિમર્શના અંતે જૂનાગઢ ચેપ્ટરનું કાર્ય તેમને સોંપેલ છે.

તા. ૧૦ થી ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સમગ્ર ભારતભરના બસ્સો થી વધુ કન્વીનરોનું સંમેલન અશોકા હોટલ નવી દિલ્હી ખાતે મળેલ તેમાં ડૉ. પ્રદ્યુમ્ન ખાચરે ભાગ લઈ કોલેજ તથા સોરઠને ગૌરવ અપાવ્યું છે. આ સેમિનારમાં કાશ્મીરના  વિદ્વાન મહારાજા કરણીસિંહજી મહેમાન પદે પધાર્યા હતા. આ ઉપરાંત સમગ્ર ભારતમાંથી આ વિષયને લગતા વિશેષ વકતાઓને બોલાવી કન્વીનરોને  માર્ગદર્શન અપાયું હતું.

ઇન્ટેકના જૂનાગઢ ચેપ્ટરને પુનર્જીવિત કરવાનું બીડું ઝડપનાર ડો. પ્રદ્યુમ્ન ખાચરને સંસ્થાના ટ્રસ્ટીશ્રી જવાહરભાઈ ચાવડા  તથા પ્રિન્સિપાલ ડૉ.બલરામ ચાવડાએ શુભેચ્છા પાઠવી હતી.

(2:49 pm IST)