Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ધ્રોલમાં એમ.ડી.મહેતા શૈક્ષણિક સંકુલમાં આજથી નવરાત્રી મહોત્સવ

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ,તા. ૨૬ : છેલ્લા આશરે ૫૦ વર્ષ થયા ધ્રોલ દરબારગઢમાં આવેલી આ સંસ્થા નવરાત્રી મહોત્સવ ઉજવે છે. આની ખાસિયત એ છે કે આ મહોત્સવમાં વધુમાં વધુ દિકરીઓ સ્ટેજ ઉપર ગરબા રમી શકે છે. જેમાં બાલમંદિરથી બી.એડ. તમામ વિભાગની દિકરીઓ ભાગ લે છે. સાંજે ૭:૩૦ થી ૯:૩૦ છાત્રાલયની તમામ દિકરીઓ તથા સંકુલમાં ભણતી તમામ દિકરીઓ પોતાની રીતે ગરબા રમે છે.

જ્યારે રાત્રે ૯ થી ૧૨ ગ્રુપ બનાવીને રોજના ૧૫ થી ૨૦ ગરબા ૧ મહિનાની પ્રેકટીસથી રજુ કરવામાં આવે છે. ધ્રોલની જ નહીં પરંતુ આજુબાજુના ગામડાની જનતા અહીંયા શાંતિથી પટાંગણમાં બેસીને ગરબાનો રસાસ્વાદ માણે છે. આ ગરબી ધ્રોલ વિસ્તારનું નવલુ નજરાણું છે.

સંસ્થાના ચેરમેનશ્રી ધર્મેશભાઇ મહેતા આ પ્રસંગે હાજર રહી દિકરીઓને ઉત્સાહ પૂરો પાડે છે. આ આયોજનમાં છેલ્લા ૫૦ વર્ષથી શ્રી સુધાબેન ખંઢેરિયા, શ્રી હંસાબેન મહેતા, છાત્રાલયના ગૃહમાતા, સ્ટાફ તેમજ તમામ વિભાગના પ્રિન્સીપાલશ્રીઓ, શિક્ષકશ્રીઓ, સ્ટાફમિત્રો તથા કોરીયોગ્રાફર તરીકે શ્રી અંજનાબેન અગ્રાવત અને રી ભાગ્યશ્રીબા જાડેજા ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવે છે.

(1:40 pm IST)