Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ભાવનગરમાં કથાથી વ્‍યથાને દૂર કરવાનો અનોખો પ્રયાસ

ભાવનગર : ભાવનગરની જાણીતી એવી સેવાકીય સંસ્‍થા, નિજાનંદ પરિવાર દ્વારા ભગવાન સત્‍યનારાયણની કથા દ્વારા દરિદ્રનારાયણ સુધી પહોંચવાની અનોખી સેવા કરવામાં આવી રહી છે. આ માટે આ પરિવારના સભ્‍યો જે તે વ્‍યક્‍તિના ઘરે જઇને સત્‍યનારાયણની કથા કરે છે અને ત્‍યાંથી જે દાન-દક્ષિણા અને આવક મળે છે તેનો ઉપયોગ જિલ્લાના જરૂરિયાતમંદ લોકોની સેવા માટે કરવામાં આવે છે.  આ રીતે કથા દ્વારા સામાન્‍ય અને અદના માનવીની વ્‍યથા દૂર કરવાનું માધ્‍યમ સત્‍યનારાયણની કથાને બનાવીને લોકોના દૂઃખમાં ટેકો આપવાનું કાર્ય કરી રહી છે. આ દ્વારા પરોપકારની એક અનોખી ધૂણી આ સંસ્‍થાએ ધખાવી છે.  પરોપકારી કાર્યોની અનેરી પહેલ કરીને આ સંસ્‍થા ભગવાન સત્‍યનારાયણની કથા, રામ દરબાર, લોક ડાયરાની આવકમાંથી કેન્‍સર પીડિત વિધવા, માનસિક અપંગોને સહાય અને કરિયાણાની કીટ આપવામાં કરે છે. આ સેવા સંસ્‍થાના શ્રી અનિલભાઇ પંડિતે ગણેશ ઉત્‍સવમાં ભાવનગરની ન્‍યૂ ઋષિરાજ નગર, ગાયત્રી નગર સોસાયટીઓમાં ભગવાન સત્‍યનારાયણની કથા કરાવીને નિજાનંદ પરિવારને મદદરૂપ બન્‍યાં હતાં.  વર્ષ ૨૦૧૫ થી નાત-જાતના ભેદભાવ વગર સેવાકીય કાર્યો કરતી ભાવનગરની નિજાનંદ સંસ્‍થા ૨૮૦  સભ્‍યો ધરાવે છે. જે અમેરિકા થી માંડી મુંબઈ, અમદાવાદ, રાજકોટ થી લઈને ભાવનગરના નાનામાં નાના ગામડા સુધીના લોકો તેની સાથે એક કે બીજી રીતે જોડાયેલાં છે.  આ સંસ્‍થા દ્વારા દર માસે નિરાધાર, કેન્‍સર પીડિત, વળદ્ધ, વિધવા, માનસિક અપંગને કોઇપણ નાત-જાતના ભેદભાવ વગર ઘર બેઠાં ભાવપૂર્વક માસિક કરિયાણાની કીટ આપવામાં આવે છે.  આ ઉપરાંત પાંચ એવાં બાળકોને શિક્ષણમાં મદદ કરે છે કે જેનાં પિતાજી નથી અને શિક્ષણમાં તકલીફ પડે છે. આ સંસ્‍થા દ્વારા દેવગાણા, રાજપરા, નેસડા, વરતેજ, કમળેજ, ભાવાગઢ, ગારીયાધારમાં અનાજની કીટોનું દર માસે વિતરણ કરવામાં આવે છે.   દર માસે આવક-જાવકનો પારદર્શક હિસાબ ગળપમાં મૂકવામાં આવે છે. (તસ્‍વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી ભાવનગર)

(12:06 pm IST)