Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

૧૧ ઓકટોબરે મોદી જામકંડોરણા ગજાવશે

સી.આર. પાટીલની જાહેરાતઃ સભા-સ્‍વાગતમાં ઉમટી પડવા અપીલ : પ્રદેશ ભાજપ પ્રમુખ કહે છે સહકારી ક્ષેત્રે કોંગી સાથેનું ‘ઇલુ-ઇલુ' બંધ કરાવ્‍યું

રાજકોટ તા. ર૬: વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી ૧૧ ઓકટોબરે મંગળવારે સવારે જાહેરસભા  ગજાવવા જામકંડોરણા આવી રહ્યાની જાહેરાત પ્રદેશ ભાજપ પ્રમુખ આર. સી. પાટીલએ જામકંડોરણા જિલ્લા બેંકની સાધારણ સભામાં કરી ભવ્‍ય સ્‍વાગત-સન્‍માન કરવા અપીલ કરી હતી. જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારી થઇ રહી છે.

જેતપુર-જામકંડોરણામાં પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાની આગેવાનીમાં રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્‍થાઓની ગઇકાલે વાર્ષિક સાધારણ સભા જામકંડોરણામાં કન્‍યા છાત્રાલયમાં યોજાઇ હતી. સભામાં સીઆર પાટીલે કહ્યું કહ્યું કે, મને છેલ્લા બે વર્ષથી પ્રદેશ અધ્‍યક્ષની જવાબદારી મળી છે, તે પહેલા સહકારી ક્ષેત્રે તો બધું ઇલુ ઇલુ ચાલતું હતું. આપણે આ બધું બંધ કરાવી દીધું છે. ગમ્‍યું હોય તો તાળી પાડો. આપણે મેન્‍ડેડ સિસ્‍ટમ કરીને આ બધું બંધ કરાવ્‍યું છે. સહકારી સંસ્‍થાઓમાં પહેલા ભાજપ-કોંગ્રેસના નેતાઓનું ઇલુ ઇલુ ચાલી રહ્યું હતું.

રાજકોટ જિલ્લા સહકારી બેંકે ૧૩૬ કરોડ રૂપિયાનો નફો કર્યો એ સારી વાત છે. ખેડૂતો અને મંડળીઓની કાળજી કરી છે તે બદલ હું જયશેભાઇને ખુબ અભિનંદન આપું છું. આવું નેતૃત્‍વ તમને મળ્‍યું છે. ચરોતરમાં એક વલ્લભભાઇ અને એક વિઠ્ઠલભાઇ આવ્‍યાં અને તેઓએ સહકારી ક્ષેત્રે મોટું કામ કર્યું, એવી જ રીતે સૌરાષ્‍ટ્રમાં પણ એક વિઠ્ઠલભાઇ આવ્‍યાં. તેમણે પણ સહકારી ક્ષેત્રને ખુબ મજબુત કર્યું છે. 

(11:56 am IST)