Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

મોરબીમાં રખડતા ઢોરની સ્પષ્ટ બહુમતી સાથે એકચક્રી શાસન !! : પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ !!

માર્ગો ગૌશાળામાં ફેરવાતા મોરબી ગોકુળિયું : ૭૦ ટકા રોડ ઉપર નંદીરાજનો કબ્જો: તંત્ર પાણીમાં બેસી જતા લોકો રખડતા ઢોરનો ત્રાસ સહન કરવા મજબૂર

મોરબી : શહેરમાં વરસાદી વાતાવરણ બાદ રખડતા ઢોરનો ત્રાસ એટલી હદે વધ્યો છે કે જાણે રખડતા ઢોરની બહુમતી સાથે એકચક્રી શાસન હોય એવી કપરી પરિસ્થિતિ ઉદભવી છે. માર્ગો જાણે ગૌશાળા હોય તે રીતે ગાય, ખુટિયાઓ રોડ ઉપર ૭૦ ટકા જેવો કબ્જો જમાવી દેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આટલું ઓછું હોય તેમ રખડતા ઢોર વચ્ચે ગમે ત્યારે અસ્તિત્વની લડાઈ જામતી હોય લોકોના જીવ પડીકે બંધાય જાય છે.

મોરબીમાં વર્ષોથી મુખ્ય માર્ગો અને અંદરના રહેણાક વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસનો ગંભીર પ્રશ્ન છે. જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોર અડીગો જમાવીને બેસેલા કે ઉભેલા તેમજ બિન્ધાસ્ત રીતે આંટાફેરા કરતા જોવા મળે છે. તેમાંય હમણાંથી વરસાદી વાતાવરણને પગલે રખડતા ઢોરોએ રસ્તાઓ ઉપર પોતાનો ઢોરવાડો બનાવી દીધો છે. જેમાં શહેરના એકેય મુખ્યમાર્ગ કે શેરી ગલી, વિસ્તાર બચ્યા નહિ હોય જ્યાં રખડતા ઢોરનો ત્રાસ નહિ હોય.રસ્તાઓ જાણે ઢોરવાડો હોય એ રીતે રખડતા ઢોરોએ આધિપત્ય જમાવ્યું છે.
શહેરના મુખ્યમાર્ગ ગણાતા ગેસ્ટહાઉસ રોડ ઉપર જાણે ગૌશાળા હોય તે રીતે રખડતા ઢોરનું સામ્રાજ્ય જોવા મળે છે. જેમાં ગેસ્ટ હાઉસ રોડ ઉપર શક્તિ ચોકથી વીસી હાઇસ્કુલ સુધીમાં ૭૦ ટકા માર્ગ ઉપર ગાયો અને ખુટિયાઓએ કબ્જો કરી લીધો છે. ઉપરાંત વારંવાર અહીં આખલા યુદ્ધ પણ થાય છે.એક તો.માર્ગ ઉપર ઢોર બેઠા હોય લોકોને વાહન તારવી-તારવીને નીકળવું પડે છે. ઉપરથી આખલા યુદ્ધ થાય ત્યારે લોકોની કફોડી હાલત થઈ જાય છે. ખરેખર રખડતા ઢોરના ત્રાસથી લોકોનું જીવવું હરામ થઈ ગયું છે. છતાં તંત્રની ઉંઘ ઊડતી નથી.જોકે તંત્રએ ક્યારેય રખડતા ઢોરને ડબ્બે પુરવા માટે નકરર કાર્યવાહી કરી જ નથી. તેથી તંત્રના પાપે લોકોને રખડતા ઢોરનો ત્રાસ સહન કરવા સિવાય છૂટકો જ નથી. અને ગેસ્ટ હાઉસ રોડ જેવીજ સ્થિતિ ગામના તમામ અને ગામ બહારના તમામ રોડની છે. લોકો માટે રજળતા ઢોરની બાબતમાં પાલિકા તંત્રએ નાદારી નોંધાવી દીધાના સુર સહેરનાં ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો કાઢી રહ્યા છે.

(10:56 am IST)