Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

રાપરમાં એડવોકેટની હત્યાના મુખ્ય આરોપીને મુંબઈથી ઝડપી લેવાયો

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને કચ્છ પોલીસનું સંયુક્ત ઓપરેશન :હત્યા બાદ ભરત જયંતીલાલ રાવલ મુંબઈ નાસી છૂટ્યો હતો.

રાપરઃ રાપરના વકીલ દેવજીભાઈ વાછીયાભાઈ મહેશ્વરીની હત્યા કરનાર આરોપીને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને કચ્છ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુંબઈથી ઝડપી પાડ્યો છે. રેન્જ આઈજી જે.આર.મોથલિયાએ  જણાવ્યું કે દેવજીભાઈની હત્યા બાદ ભરત જયંતીલાલ રાવલ મુંબઈ નાસી છૂટ્યો હતો. તેને ઝડપી પાડવા અમારી એક ટીમે તેનું કચ્છથી પગેરું દબાવવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની પણ મદદ લેવાઈ હતી.

 ભરતની પૂછતાછમાં ગુનામાં દર્શાવાયેલાં અન્ય આરોપીઓની શું ભૂમિકા છે તે સ્પષ્ટ થશે. ઘટના સંદર્ભે અન્ય કેટલાંક આરોપીઓને રાઉન્ડ અપ કરી પોલીસ પૂછતાછ કરી રહી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સાંજે સાડા છના અરસામાં દેવજીભાઈની છરીના બાર જેટલાં ઘા મારી સરાજાહેર હત્યા કરી દેવાઈ હતી. આ હત્યાના ઘેરાં પ્રત્યાઘાત પડ્યાં છે. મૃતકની પત્ની અને દલિત સમાજના આગેવાનોએ જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ના થાય ત્યાં સુધી મૃતદેહનો કબ્જો સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો હતો.

 બીજી તરફ, ગુજરાત બાર એસોસિએશને પણ હત્યાની ઘટનાને વખોડી નાખી આરોપીઓની તાકીદે ધરપકડ કરવા માગ કરી છે. રાપરમાં આજે દિવસભર અજંપાભરી પરિસ્થિતિ રહી હતી અને સાંજે 6 વાગ્યા બાદ મેઈન બજારથી લઈ શહેરની મોટાભાગની દુકાનોના શટર ટપોટપ પડી ગયાં છે. ઠેર ઠેર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મુખ્ય માર્ગો પર લોકોની ચહલપહલ ઘટી જતાં શહેરમાં ભેદી સૂનકાર છવાઈ ગયો છે.

(8:07 pm IST)