Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

નવા કૃષિ બિલથી ખેડૂતોને આઝાદી મળશે કે ગુલામી ? ધારાસભ્ય ઠુમ્મર

(ઇકબાલ ગોરી) સાવરકુંડલા : તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં ખેડૂતો માટેનું નવા કૃષિ વિષયક બીલ (ખરડા) પાસ થાય છે તે ખરેખર ખેડૂતો માટે આઝાદી આપશે કે ખેડૂતોની ગુલામીની ગર્તામાં ધકાલાશે તેમ એક નિવેદનમાં ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મરે જણાવી નિવેદનમાં સવાલ કર્યો છે.

ઠુમ્મરે વધુમાં જણાવેલ છે કે વડાપ્રધાન કહે છે કે '૧૯૪૭ પછી પ્રથમ વખત સરકારે ક્રાંતિકારી પગલું લીધું છે; જેથી ખેડૂતોને આઝાદી મળશે; ખેડૂતો ખુશખુશાલ થઈ જશે ! પરંતુ હકીકત શું છે? દેશના ખેડૂતોને આઝાદી મળશે કે કોર્પોરેટ કંપનીઓને? ખેડૂતો ખુશ થશે કે કૃષિ સંબંધી ત્રણ બિલથી કોને નુકશાન થશે, કોને ફાયદો થશે? શું છે આ ત્રણ અધ્યાદેશો-Bills માં? બિલના નામ લલચામણા છે; છેતરામણા છે ! પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે ખેડૂતોના હિત માટે જબરજસ્ત જોગવાઈઓ આ કાયદાઓમાં કરી છે. એક અધ્યાદેશ કહે છે કે ખેડૂતોની મરજી હોય તેટલો કૃષિ પેદાશોનો સંગ્રહ તે કરી શકશે ! આવશ્યક ચીજવસ્તુઓના સ્ટોક ઉપર કોઈ મર્યાદા નહીં રહે; પૂરી આઝાદી ! ખેડૂતોને સારા ભાવ મળે ત્યારે વેચે ! અરે, આવી આઝાદી તો અત્યારે પણ છે; તો પછી આવી જોગવાઈ કોના માટે સરકારે કરી છે? કોર્પોરેટ કંપનીઓ માટે ! ખેડૂત પાસે સ્ટોરેજની વ્યવસ્થા નથી; સંગ્રહ કરવાની તેવડ નથી; માલ વેચવાની મજબૂરી હોય છે; આ સંજોગોમાં સ્ટોરેજ કરવાની આઝાદી આપવાનો કોઈ અર્થ ખરો? કૃષિ પેદાશોના ભાવ વધે ત્યારે નફો વેપારીઓના ખિસ્સામાં જાય છે; અને ભાવ ઘટે તો ખેડૂતોના ખિસ્સા કરજ લેવા તલસે છે !

નવી જોગવાઈ મુજબ કૃષિ પેદાશોની નિકાસ કરવામાં આવે તો તે માટે ગમે તેટલો સંગ્રહ કરી શકાશે !  કોર્પોરેટ કંપનીઓ માટે જ આ જોગવાઈ કરી છે; ખેડૂતો માટે નહીં. શું આ સંગ્રહખોરી/કાળાબજાર અનુમતિ કાનૂન નથી? બીજો અધ્યાદેશ કહે છે કે કોર્પોરેટ કંપનીઓ ખેડૂતો સાથે MOU/કોન્ટ્રાકટ કરી શકશે ! ખેડૂત, બોન્ડેડ લેબર બની જશે; ગુલામ બની જશે ! ઝઘડો થાય તો કંપનીઓને અનુકૂળ પડે તેવા તંત્રની જોગવાઈ કરી છે; SDM/કલેકટર/ સેક્રેટરી પાસે જવાનું; કોર્ટ પાસે નહીં ! સરકારી તંત્ર કોની તરફદારી કરે? ખેડૂતની કે કોર્પોરેટ કંપનીની? ત્રીજા અધ્યાદેશમાં એવી જોગવાઈ છે કે ખાનગી કંપનીઓને ખેડૂતો કૃષિ પેદાશો વેચી શકશે ! જો કે હાલે પણ ખેડૂતોને પોતાની ઉપજ કોને વેચવી તેની સ્વતંત્રતા છે જ ! ઉદાહરણ તરીકે હું મારો કપાસ ૧૯૯૫ થી ખાનગી વેપારીને વેચું છું; તે વેપારી લોકલ APMCને સેસ ફી ભરી દે છે. નવી જોગવાઈ મુજબ કોર્પોરેટ કંપનીઓ ખેડૂતો પાસેથી કપાસ/ઘઉં/ચોખા/દાળ/જીરું/શાકભાજી/ફળો વગેરે ખરીદી શકશે ! મતલબ એ થયો કે APMCને જે સેસ ફી મળતી હતી તે હવે નહીં મળે.

શું APMC દૂર થઈ જશે? શરુઆતમાં ખેડૂતોને વધુ ભાવ મળશે. પરંતુ APMC  ભાંગી જશે. પછી કંપનીઓ ખેડૂતોનું શોષણ કરશે ! કુરિયર કંપનીઓને મંજૂરી આપી પછી પોસ્ટલ ડીપાર્ટમેન્ટની હાલત કેવી થઈ? કોમ્યુનિકેશનમાં રીલાયન્સ આવ્યા બાદ BSNLની હાલત કેવી થઈ? APMC  જતાં ખેડૂતોની હાલત પણ આવી જ થશે ! જો કે APMCમાં ભયંકર ભ્રષ્ટાચાર દ્યૂસી ગયો છે; તેને દૂર કરવા કેન્દ્ર સરકારે ૨૦૦૩માં મોડેલ APMC કાનૂન ઘડીને મોકલ્યો છે; તેનો કોઈ રાજયોએ અમલ કર્યો નથી. APMC ખેડૂતો માટે ભાંગલી-તૂટલી છત્રી છે; એ હટાવી લેવા કરતા તેને રિપેર કરવાની જરુર છે ! ઊંદરનો ત્રાસ દૂર કરવા રીંછને ન લવાય ! બિહારમાં ખ્ભ્પ્ઘ્ નથી; ત્યાં ખેડૂતોનું શોષણ વધુ થાય છે; પંજાબ/હરિયાણામાં APMC બરાબર કામ કરે છે; ત્યાં ખેડૂતોનું શોષણ ઓછું થાય છે. APMCનાકારણે ખેડૂતોને આડકતરો ફાયદો થાય છે; માર્કેટમાં ભાવ જળવાય છે.

શું MSP બંધ થઈ જશે? MSP એટલે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ. સરકાર કહે છે કે MSP દૂર નહી થાય;  જો MSPની જોગવાઈ રાખવી હોય તો આ અધ્યાદેશમાં કેમ જોગવાઈ ન કરી? MSPને લીગલ રાઈટ કેમ ન બનાવ્યો? માત્ર મૌખિક વચન? કૃષિ ઉત્પાદન MSP કરતા નીચા ભાવે MSPના વેપારી/ કંપનીના એજન્ટ ખરીદી શકશે નહી; એવી જોગવાઈ કેમ ન કરી?

(1:10 pm IST)