Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

જુનાગઢ જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે રિકવરી રેઇટ ઘણો સારો

તાજેતરમાં ૭૯૧ કેસ સામે ૭ર૦ દર્દી ડિસ્ચાર્જ

(વિનુ જોષી)જુનાગઢ તા.ર૬ :  જુનાગઢ જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે રિકવરી રેઇટ ઘણોસારો રહયો છે. તાજેતરનાં ૭૯૧ કેસ સાથે ૭ર૦ દર્દી ડિસ્ચાર્જ થયા છે.

જુનાગઢ શહેર તેમજ જિલ્લામાં કોરોના દિવસેને દિવસે વધી રહયો છે. ગઇકાલે પણ નવા ૩૩ પોઝીટીવ કેસ નોંધાયા હતા.

જેમાં જુનાગઢ સીટીના ૧૬ કેસ, વંથલી ૭, જુનાગઢ ગ્રામ્ય - ત્રણ અને કેશોદ, મેંદરડા, માંગરોળમાં બે બે તેમજ ભેંસાણના એક કેસનો સમાવેશ  થાય છે. જયારે માળીયામાં ગઇકાલે કોરોનાએ રજા રાખી હતી.

નવા ૩૩ કેસની સામે ૩૮ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. છેલ્લા ર૩ દિવસમાં રિકવરી રેઇટ એકંદરે સારો રહયો છે.

તા. ૧ લી સપ્ટેમ્બરથી તા.ર૪ સપ્ટેબરના ર૩ દિવસ દરમિયાન જુનાગઢ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ ૭૯૧ નોંધાયેલ જેની સામે ૭ર૦ દર્દીએ કોરોનાને માન આપી હતી. આમ રિકવરી રેઇટ ૮૮.૮૮ ટકા રહયો છે.

જુનાગઢ મનપા વિસ્તારનો રિકવરી રેઇટ ૮૬.૮૧ ટકા અને ગ્રામ્યમાં ૮પ.પ૦ ટકા રહેલ છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૭ર૧૧૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કુલ પોઝીટીવ કેસ રપ૭૭ થી વધારે નોંધાય છે. ૬૪ કોરોના દર્દીના મોત થયા છે.

જુનાગઢ શહેરમાં કોરોનાના સર્વાધિક ૧૩પ૪ કેસ થયા છે. જેમાંથી હાલ ૧પ૪ દર્દી સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે.

જિલ્લામાં સૌથી વધુ ર૩૮ કેસ કેશોદ ખાતે અને સૌથી ઓછા ૭૭ પોઝીટીવ કેસ માળીયા હાટીનામાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

(1:09 pm IST)