Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

જે ભગવાનને શરણે જાય છે, તેને ભગવાન સ્વીકારીને સંભાળ તેઓ જ રાખે છેઃ પૂજય ભાઇશ્રી

પોરબંદર હરિ મંદિરે અધિક પુરૂષોતમ માસમાં શ્રીમદ્ ભાગવત કથા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ર૬ :.. જે સંપૂર્ણ શરણાગતિ સાથે ભગવાનને શરણે જાય છે ત્યારે ભગવાન જેને સ્વીકારી લે તેની સહાય કરે છે. ભગવાન પરમ ભકતને ઇશારામાં સમજાવે છે. ભગવાન જયારે ઇશારા કરે ત્યારે તેને સમજવા પડે અને તેઓના આદેશ મુજબ જીવનમાં આચરણ પણ કરવુ પડે, એમ કથાકાર, પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ શુક્રવારે અધિક - પુરૂષોતમ માસના આઠમા દિવસે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનાં પ્રારંભે શ્રીહરિ મંદિર  - પોરબંદર ખાતેથી જણાવ્યું હતું.

પૂજય ભાઇશ્રીએ જણાવ્યું કે આજે અધિક આસો સુદ નવમી છે.ભાદ્રપદ નવમીથી પૂર્ણિમા સાધુના સાત દિવસને ભાગવત સપ્તાહના દિવસ મનાય છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામગમન પછી કલિના ૩૦ વર્ષથી થોડા વધુ સમય પસાર થયા બાદ મહારાજા પરીક્ષિતને શુકદેવજીએ શુકતાલમાં જે શ્રીમદ ભગવદ કથા સંભળાવી તેનો પ્રારંભ પણ ભાદ્રપદ નવમીથી થયો હતો અને પૂર્ણિમા સુધી સાત દિવસની સપ્તાહ થઇ હતી. આમ તો નવમી તિથીને રિકતા તિથી માનવામાં આવે છે, પરંતુ નવનો આંક નિર્ગુણ તત્વનો આંક છે. નવનો આંક પુર્ણક છે. શ્રેષ્ઠ સંખ્યા છે. ભગવાન શ્રીરામનો જન્મ પણ નવમીએ થયો હતો. તેનો તાત્વીક અર્થ એવો છે કે ભગવાનનું સ્મરણ રિકત થઇને કરવું જોઇએ. માન-અભિમાન-સંપત્તિ -સત્તા બધા ગુણોનો ત્યાગ કરીને હરિસ્મરણ કરવું જોઇએ.

પૂજય ભાઇશ્રીએ જણાવ્યું કે શ્રીમદ ભાગવત એ રસયુકત ફળ છે અને પ્રેમશાસ્ત્ર છે. પરમહંસો માટે જીવનમુકિતનું આસવ છે. શ્રીમદ ભાગવતના ૧૮,૦૦૦ શ્લોકો છે. પ્રાચીન સમયમાં મંત્રદ્રષ્ટા ઋષિઓએ તપ-સાધના દ્વારા વેદમંત્રોનું દર્શન કર્યુ. શ્રુતિ પરંપરા દ્વારા તેને રજૂ કર્યા. મહર્ષિ વેદવ્યાસ  દ્વારા આ વેદમંત્રોનું આકલન કરી તેની સંહિતાઓ અને ચાર વેદ તેમજ ઉપનિષદો અને પુરાણોના માધ્યમથી સર્વજન સુગમ અને સુલભ બનાવ્યા. વેદમંત્રોનો માત્ર સ્થૂળ અર્થ જાણી શકાય. વેદમંત્રો માત્ર કંઠસ્થ કરી લેવાથી વિદ્વાન બનાતું નથી. આ વિદ્યા ગુરૂગમ્ય વિદ્યા છે. માત્ર પુસ્તક વાંચીને વેદને સમજવાની ચેષ્ટા અનર્થ સર્જી શકે છે.

(1:04 pm IST)