Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

લોકોને મનોરંજન આપનારાની જીંદગી કોરોનામાં અંધકારમયઃ ગોંડલનાં કલાકારે મુખ્યમંત્રીને કરી અપીલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૬ : વૈશ્વિક મહામારી કોરોના એ કંઇક જીંદગીઓ ની ભુગોળ બદલી નાંખી છે. કોરોનાનાં કારણે જીવનશૈલીમાં તો અનેક બદલાવ આવ્યાં સાથોસાથ જીંદગી ની રફતારનાં મોડ પણ બદલ્યાં છે.

છેલ્લા સાત આઠ મહીનાથી બેકાર બનેલાં અને હવે જીવન નિર્વાહ ચલાવવાં રેડીમેઈડ કપડાં અને નોવેલ્ટી નો દ્યરે ધંધો શરું કરનાર માત્ર ગોંડલ જ નહીં સૌરાષ્ટ્ર ગુજરાતનાં જાણીતાં ગાયક રાજુભાઈ સોની એ કલાકારો માટે રાહત પેકેજ આપવાં મુખ્યમંત્રી રુપાણી ને પત્ર લખી અપીલ કરી છે.

 રજુઆત માં જણાવ્યું કે,ગીત સંગીતનાં પ્રોગ્રામો દ્વારા પરીવાર નો નિર્વાહ થઇ રહ્યો હતો.પોગ્રામો થકી જ એક દિકરીનાં લગ્ન કર્યા,મકાન લીધું પણ કોરોના ને કારણે બધું ઠપ્પ થઇ જતાં જીવન નિર્વાહ કેમ ચલાવવો એ સવાલ ઉભો થયો છે.લોન પર લીધેલાં મકાનનાં હપ્તા પણ ચડી ગયાં છે.મારાં જેવાં સ્ટેજનાં અનેક કલાકારો ઉપરાંત સાઉન્ડ,લાઇટ મંડપ ડેકોરેશન જેવાં વ્યવસાય સાથે જોડાયેલા લોકો ની હાલત બદતર છે.કોરોના ને કારણે આ બધાંની જીંદગી દોખજ બનવાં પામી છે.ત્યાંરે રાજય સરકાર દ્વારા મદદ મળે તેવું જણાવ્યું છે.

દેશ વિદેશમાં ઓરકેસ્ટ્રા સાથે ધુમ મચાવી ગોંડલનું નામ રોશન કરનાર રાજુભાઈ સોનીએ જણાવ્યું કે છેલ્લા આઠ મહીનાથી એક પણ પ્રોગ્રામ નથી કર્યો. ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. બેન્ક લોનનાં હપ્તા ચડતાં જાય છે. હજુ એક દિકરી દિકરા નાં લગ્ન બાકી છે. શું થશે એ ચિંતામાં અડધી રાત્રે ઉંઘ ઉડી જાય છે.

રાજુભાઈ સોની એ ઘરે જ નોવેલ્ટી અને ગારમેન્ટનો ઘરરખુ ધંધો શરૂ કર્યો છે. શું કરવું? પાપી પેટ નો સવાલ છે.

(10:07 am IST)