Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ત્રંબા માનવ મંદિરના ૧૦૦ મંદબુધ્ધીના લોકોના ઉપવાસ બાદ જર્જરીત દિવાલનો પ્રશ્ન ઉકેલાયો

પીજીવીસીએલના અધિકારીઓ દોડી આવ્યાઃ બે મહિનામાં નવી દિવાલ બનાવી આપવાની ખાત્રી

રાજકોટ તા. ૨૬: ત્રંબાના માનવ મંદિરમાં ૧૦૦ જેટલા મંદ બુધ્ધીના લોકોને સાચવવામાં આવે છે. આ માનવ મંદિરના કમ્પાઉન્ડની એક દિવાલ કે જે પીજીવીસીએલ તંત્ર હસ્તકની છે તે જર્જરીત થઇ ગઇ હોઇ અને વિજતાર પણ નીચા આવી ગયા હોઇ ત્યાં કોઇ મંદબુધ્ધીના લોકો અજાણતા જઇ ચડે તો જીવ જોખમાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. જર્જરીત એવી આ દિવાલ રિપેર કરવા અથવા નવી બનાવવા લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવતી હતી. પરંતુ પીજીવીસીએલ તંત્ર જવાબ આપતું ન હોઇ અંતે ૧૦૦ મંદ બુધ્ધીના લોકોએ ગઇકાલે ઉપવાસ આંદોલન ચાલુ કર્યુ હતું. તે સાથે જ કાર્યપાલક ઇજનેર જે. પી. ટીલાળા, પીજીવીસીએલના અધિકારીઓ, સ્ટાફ માનવ મંદિરે દોડી આવ્યા હતાં અને બે મહિનામાં જ ટેન્ડર પ્રક્રિયા પુરી કરી નવી દિવાલ બનાવી અપાશે તેવી લેખિતમાં ખાત્રી આપતાં ઉપવાસ આંદોલન પુરૂ કરાયું હતું. ત્રંબાથી જી.એન. જાદવના કહેવા મુજબ પીજીવીસીએલના ડે. એન્જિનીયર દિનાબેન આર. રાવલે કહ્યું હતું કે વહેલી તકે માનવ મંદિર કમ્પાઉન્ડમાંથી વિજ થાંભલા પણ હટાવી લેવામાં આવશે. ગોંડલના પી.એ. સરવૈયાએ પણ તાકીદે પ્રશ્ન ઉકેલની ખાત્રી આપી હતી.

(11:41 am IST)