Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

હેલ્મેટ માટે એક હજાર ખર્ચયા હોત તો ૫ લાખનો સારવારનો ખર્ચ થયો ન હોત

ભાવનગરના જાણીતા ચિત્રકાર રઘુવીરસિંહ આપવીતી વર્ણવે છે.

ભાવનગર તા.૨૬: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં દરરોજ ૮૨૧ લોકોના માર્ગ અકસ્માતના કારણે મૃત્યુ થાય છે. ૨૦૧૮ ના વર્ષમાં જ ભારતમાં ૧.૪૯ લાખ લોકો માર્ગ અકસ્માત ના કારણે મૃત્યુ પામ્યા. ગુજરાત રાજયમાં પણ વર્ષ ૨૦૧૭ મા ૧૯,૦૮૧ અકસ્માતો નોંધાયા.જેમાં ૭,૨૮૯ લોકોના મૃત્યુ થયાં તેમજ ૧૬,૮૦૨ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા.ત્યારે તાજેતરમાં કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અકસ્માતો નિવારવા તેમજ તેના પર નિયંત્રણ લાવવા ટ્રાફિક અંગેના નવા કાયદાઓ અમલમાં મુકવામાં આવ્યા છે. જેનું પાલન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ બને છે.જેના પાલન થકી વ્યકિત તેમજ તેનો પરિવાર અનેકવિધ મુશ્કેલીઓ માંથી બચી શકે છે.

આ બાબતે ભાવનગરના ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર શ્રીરઘુવિરસિંહ ગોહિલ વાતચીતમાં જણાવેલ કે હું ૩ વર્ષ પહેલાં રાત્રે ૧૨.૧૫ વાગ્યા આસપાસ ભાવનગર શહેરના સિંધી કેમ્પ પાસે રબ્બર ફેકટરી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ રોડ પર કૂતરૂ આડું ઉતરતા બાઈક સ્લીપ થયું હતું અને માથા તેમજ આંખના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થવા પામી હતી. જેની સારવાર ભાવનગરની સર.ટી. હોસ્પિટલ તેમજ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ૬ માસ સુધી ચાલી હતી. આંખના ભાગે પ્લાસ્ટિક સર્જરી તેમજ મગજમાં જટીલ અને જોખમી કહી શકાય તેવું ઓપરેશન કરવામાં આવ્યું હતુ.

આ સમગ્ર સારવારમાં ૫.૫૦ લાખનો ખર્ચ થયો. ઈજા એટલી ગંભીર હતી કે ડોકટરોએ હું બચી જઈશ તેવી કયારેય મને ખાતરી આપી ન હતી. આજે ઈશ્વર કૃપાથી હું બચી ગયો છું ત્યારે મનમાં એક જ પસ્તાવો છે કે જો તે દિવસે મેં ૧,૦૦૦ રૂ.ની કિંમતનું હેલમેટ પહેર્યું હોત તો આટ આટલી યાતનાઓનો ભોગ ન બનવું પડ્યું હોત અને મારી શારીરિક તેમજ માનસિક કાર્યક્ષમતામાં પણ ઘટાડો ન થયો હોત. એ વખતે મારી આર્થિક સ્થિતિ પણ એટલી સધ્ધર નહીં કે હું સારવાર માટે ૫.૫૦ લાખનો ખર્ચ કરી શકું. આ તો વંદન એ ભાવનગર તેમજ સુરતના ૧૫૦ જેટલા કલાકારોને કે જેઓ આગળ આવ્યા અને સારવારનો  ખર્ચ ઉપાડી મને મદદરૂપ બન્યા.

(11:36 am IST)