Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

જસદણના કોઠી ગામે જુના મનદુઃખમાં બાબર પરિવાર પર હુમલોઃ ૬ ઘવાયા

વિપુલ કોળી સહિતના વિપુલ ચોૈહાણની ખાણીપીણીની દૂકાને આવ્યો ત્યારે બોલાચાલી-ગાળાગાળી કરી હોઇ તેના વિરૂધ્ધ પોલીસમાં અરજી કરતાં ખાર રાખી ટોળકી રચી હુમલો કરવામાં આવ્યાનો આરોપ

રાજકોટ તા. ૨૬: જસદણના કોઠી ગામે રહેતાં અને ખાણીપીણીની દૂકાન ધરાવતાં બાબર યુવાનની દૂકાને આવી કોળી યુવાને જુના મનદુઃખને લીધે ગાળાગાળી કરતાં આ બાબતે તેના વિરૂધ્ધ અરજી કરી હોઇ તેનો ખાર રાખી  કોળી શખ્સોએ  ગત રાતે ટોળકી રચી બાબર પરિવારના લોકો પર સશસ્ત્ર હુમલો કરતાં છ લોકોને ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં.

ઘાયલ થયેલાઓમાં કોઠી ગામના બાબર ગિરધરભાઇ રામજીભાઇ ચોૈહાણ (ઉ.૪૫), વિઠ્ઠલભાઇ રામજીભાઇ ચોૈહાણ (ઉ.૫૦), સુભાષ ગીરધરભાઇ ચોૈહાણ (ઉ.૨૨), વિપુલ વિઠ્ઠલભાઇ ચોૈહાણ (ઉ.૨૪), મહેશ લક્ષમણભાઇ ચોૈહાણ (ઉ.૨૯) અને ગોપાલ લક્ષમણભાઇ ચોૈહાણ (ઉ.૨૩)ને જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાની પ્રાથમિક પુછતાછમાં આ તમામ પર કોઠી ગામના જ વિપુલ ખીમાભાઇ મકવાણા, લાખા રૂપાભાઇ મકવાણા, લાલજી રણછોડભાઇ, બલદેવ રૂપાભાઇ, મહેશ રૂપાભાઇ સહિતે તલવાર-પાઇપ-છરીથી હુમલો થયાનું જણાવાતાં જસદણ પોલીસને જાણ કરાઇ હતી.

વિઠ્ઠલભાઇ રામજીભાઇના કહેવા મુજબ તેના પુત્ર વિપુલને ગામમાં ખાણીપીણીની દૂકાન છે. આ દૂકાને કોળી યુવાન વિપુલ મકવાણા સહિતના ઉભા હતાં ત્યારે વાત-વાતમાં એકાદ વર્ષ પહેલા થયેલી માથાકુટની ચર્ચા થતાં વિપુલ મકવાણાએ ગાળો દઇ માથાકુટ કરી હતી. આ બાબતે તેના વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હતી. આ અંગેનો ખાર રાખી ગત રાતે અગિયારેક વાગ્યે વિપુલ કોળી સહિતના ટોળકી રચી આવ્યા હતાં અને સશસ્ત્ર હુમલો કર્યો હતો. સામા પક્ષે પણ કેટલાકને ઇજા થઇ હતી. જસદણ પોલીસને સામ-સામી ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(11:35 am IST)