Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ગીર પૂર્વમાંથી વધુ સાત સિંહોને રેસ્કયૂ કરાયાઃ રિપોટ આવ્યોઃ'કેનાઇન ડિસ્ટેમ્પર'(વાયરસ)નથી

ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતા દલખાણીયા અને જસાધાર ફોરેસ્ટ રેન્જમાં ફુલ ૧૪ સિંહોનાં મોતથી અરેરાટી

રાજકોટ, તા.૨૬: ગીર અભ્યારણ્યમાં આવેલા ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતા દલખાણિયા રેન્જમાં વધુ એક સિંહણનું મોત થતા ગીરમાં સિંહોના મોતનો આંકડો ૧૪ પર પહોંચ્યો છે. અગ્ર મુખ્ય વન સરંક્ષક (વન્ય પ્રાણી) અક્ષય કુમાર સકસેનાની યાદીમાં જણાવ્યા અનુસાર, અગાઉ મૃત્યુ પામેલા બે સિંહબાળના સેમ્પલની જૂનાગઢની વેટરનરી કોલેજ ખાતે મોલીકયુલર વાયરોલોજીની પદ્ઘતિથી ચકાસણી કરાવતા તેમા સીડી (કેનાઇન ડિસ્ટેમ્પર) વાયરસ જોવો મળેલો નથી. આ પ્રકારનો રિપોર્ટ આવ્યો છ.

અક્ષય કુમાર સકસેનાની આ યાદીમાં જણાવ્યુ છે કે, બુધવાર બપોર સુધીમાં ૧૭૪૦ કિ.મી વિસ્તારની ગીર અને ગીરની આસપાસ ચકાસણી કરવામાં આવી છે. આ ચકાસણી દરમિયાન, ૪૬૦ સિંહો જોવા મળ્યા છે. જે પૈકી સાત સિંહોને સામાન્ય ઇજા જોવા મળેલી છે. જયારે બાકીના ૪૫૩ સિંહો સારી અને તંદુરસ્ત હાલતમાં છે. આ સિવાય, દલખાણીયા રેન્જની સરસીયા વીડીના જે ૧૪ સિંહો મૃત્યુ પામેલા હતા ત્યાંથી ૩ સિંહ, ૩ સિંહણ અને ૧ સિંહબાળ, એમ સિંહોને રેસ્કયુ કરાયા છે અને આ રેસ્કયુ કરાયેલા તમામ સાત સિંહો તંદુરસ્ત છે. આ તમામ સિંહોને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે. ભાવનગરના રેવન્યુ વિસ્તારમાંથી સામાન્ય ઇજા ધરાવતા એક સિંહને રેસકયુ કરી, રેસ્કયુ સેન્ટરમાં લાવવામાં આવ્યો છે.

૧૨ સપ્ટેમ્બરથી લઇ ૨૫ સપ્ટેમ્બર સુંધીની સમયગાળામાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતા દલખાણીયા અને જસાધાર ફોરેસ્ટ રેન્જમાં કુલ ૧૪ સિંહોનાં મોત થયા છે. જેમાં ૨ સિંહો જસાધાર રેન્જમાં મૃત્યુ પામ્યા છે જયારે ૧૨ સિંહો દલખાણીયા રેન્જમાં મૃત્યુ પામ્યા છે.

વન વિભાગ દ્વારા કુલ ૬૪ ટીમો બનાવવામાં આવી છે અને સમગ્ર ગીર વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી છે.

આધારભૂત સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, સિંહોના મૃત્યુનો આંકડો હજુ વધે તેવી શકયતા છે. વન વિભાગનો દાવો છે કે, આ તમામ સિંહોના મોત ઇન્ફાઇટ, ઇન્ફાઇટીંગમાં અને ઇન્ફાઇટીંગના કારણે થયેલી ઇજાઓ અને ત્યારબાદ ઇજાઓને કારણે લાગેલા ઇન્ફેકશનને કારણે થયાં છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગીરમાં સિંહોનાં વધી રહેલા અકુદરતી મૃત્યુને લઇને થોડા મહિનાઓ પહેલા ગુજરાત હાઇકોર્ટે પણ ચિંતા વ્યકત કરી હતી અને સુઓમોટો પિટીશન દાખલ કરી હતી.

છેલ્લા બે વર્ષમાં ગીરમાં ૧૮૪ સિંહો મૃત્યુ પામ્યા છે. ૧૮૪ સિંહોના મૃત્યુમાંથી ૩૨ સિંહોના મૃત્યુ અકુદરતી રીતે થયા છે. ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે સિંહોના અકુદરતી મૃત્યુનો સ્વીકાર કર્યો છે. ૨૦૧૫માં થયેલી સિંહોની ગણતરી મુજબ, ગીરમાં કુલ ૫૨૩ સિંહો છે. એશિયાટીક સિંહો માત્ર ગીર માં જ જોવા મળે છે. ગીર જંગલમાં ખલેલ વધવા સહિત અનેક કારણોસર સિંહો અભ્યારણ્યમાંથી બહાર જઇ રહ્યા છે. ૨૦૧૫માં થેયલી સિંહોની ગણતરી મુજબ, ગીર જંગલ અને આસપાસના વિસ્તારોમાં ૫૨૩ સિંહો વસે છે.

(4:30 pm IST)