Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ધોરાજીના મહંત લાલદાસ બાપુની લૂંટના ઇરાદે હત્યા કરાઇ'તી

હત્યા કરનાર અગાઉ નરસંગ આશ્રમમાં જ રહેતો સાધુ હરેશ ઉર્ફે હક્કો કેશવદાસ દેવમુરારી હોવાનું ખુલતા દબોચી લેવાયોઃ ડીઆઇજી સંદીપસિંહ તથા એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ જેતપુરના ડીવાયએસપી જે.એમ.ભરવાડ તથા ધોરાજીના પીઆઇ મહિપાલસિંહ ઝાલાની ટીમે ભેદ ઉકેલ્યો : પકડાયેલ સાધુ હરેશ ઉર્ફે હક્કો દેવમુરારી અગાઉ ૩૦ થી ૩પ બાઇક ચોરીના ગુન્હામાં ૧૦ વર્ષની જેલ કાપી ચુકયો છેઃ અઢી વર્ષ પહેલા છુટયો'તોઃ પોલીસને ગેરમાર્ગે દોરવા પોતાના લોહીવાળા ભગવા કપડા ત્યાં જ સળગાવી દીધા'તા અને હત્યા કર્યા બાદ મહંતનો રૂમ અંદરથી બંધ કરી દીધો'તો : હત્યાનો ભોગ બનનાર મહંત લાલદાસ બાપુએ આશ્રમમાં જયાં પોતાની : સમાધી લેવાની જગ્યા નક્કી કરી હતી ત્યાં જ તેની હત્યા થઇ

તસ્વીરમાં પ્રેસ કોન્ફરન્સમાં માહીતી આપતા રૂરલ એસપી બલરામ મીણા, જેતપુરના ડીવાયએસપી જે.એમ.ભરવાડ, ધોરાજીના પીઆઇ મહિપાલસિંહ ઝાલા તથા નીચે ની તસ્વીરમાં ધોરાજી પોલીસનો કાફલો અને આરોપી સાધુ હરેશ ઉર્ફે હક્કો દેવમુરારી નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૨૬ : ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલ સફુરા નદીના પૂલ પાસે આવેલ નરસંગ મંદિરના મહંત લાલદાસબાપુ ગુરૂ ગંગારામબાપુની અઠવાડીયા પુર્વે રહસ્યમય સંજોગોમાં થયેલ હત્યાનો ભેદ રૂરલ પોલીસે ઉકેલી નાખી હત્યા કરનાર સાધુ  હરેશ ઉર્ફે  હક્કો દેવમુરારીને દબોચી લીધો છે. તેણે લૂંટના ઇરાદે જ હત્યા કર્યાની કબુલાત આપી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીના જામકંડોરણા રોડ ઉપર સફુરા નદીના પૂલ પાસે આવેલ નરસંગ મંદિરના મહંત લાલદાસબાપુ ગુરૂ ગંગારામબાપુનો તેના આશ્રમના રૂમમાંથી ગત તા. ર૧-૯-ના રોજ લોહીના લથપથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસ તપાસમાં તેની કરપીણ હત્યા કરાયાનું ખુલતા ધોરાજી પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

દરમિયાન રહસ્યમય આ હત્યાનો ભેદ ઉકેલવા ડીઆઈજી સંદીપસિંહ તથા એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ જેતપુર ડીવાયએસપી જે.એમ. ભરવાડની ટીમ, એલસીબી ટીમ અને ધોરાજીના પીઆઇ મહિપાલસિંહ ઝાલાની  ટીમ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરીને હત્યાનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. જેમાં  આશ્રમમાં દરરોજ આવતા માણસો અંગે તપાસ કરાતા આશ્રમમાં જ પડયો પાથર્યો રહેતો સાધુ હરેશ ઉર્ફે હક્કો કેશવદાસ દેવમુરારી (રહે. હાલ જામજોધપુર) ગૂમ હોય તે અંગે તપાસ કરાઇ હતી. તેમજ હત્યાનો ભોગ બનનાર મહંતનો મોબાઇલ ફોન એકટીવ થતા આ મોબાઇલ ફોન ગૂમ થનાર સાધુ  હરેશ ઉર્ફે હક્કાએ વાંસજાળીયાના  ભારાઇ નામના શખ્સને આપ્યો હોવાનું ખુલતા આ હત્યામાં સાધુ હરેશ  ઉર્ફે હક્કાની સંડોવણી દ્રઢ બનતા તેને ભાણવડથી રૂરલ પોલીસની ટીમે દબોચી લીધો હતો.

પકડાયેલ સાધુ હરેશ ઉર્ફે હક્કાએ એવી કબુલાત આપી હતી કે હત્યાનો ભોગ બનનાર લાલદાસ બાપુ પાસે રૂપીયા હોવાની હકિકત પોતે જાણતો હતો. બનાવના પાંચ-છ દિ' પુર્વે  પોતે લાલદાસ બાપુ પાસે જઇ રૂપીયાની માંગણી કરતા તેઓએ રૂપીયા આપવાની ના પાડી ગાળો આપી કાઢી મુકયો હતો. ત્યાર બાદ પોતે આશ્રમમાં છેલ્લા ૩ દિવસથી વોચ રાખતો હતો. બનાવના દિવસે રાતના આઠેક વાગ્યે આશ્રમે ગયેલ અને ત્યાં બાપુ આશ્રમમાં હોવાની ખાત્રી થતા રાહ જોઇને બેઠો હતો. મહંત લાલદાસ બાપુના રૂમમાં પાણી માટેની  બહારના ભાગેથી પાણીની પાઇપ લાઇન ગોઠવેલ હોય તે પોતાએ વાળી નાખેલ જેથી મહંત લાલદાસબાપુ પાણી માટે બહાર આવે તેની રાહ જોઇ બેઠો હતો. એ દરમિયાન લાલદાસ બાપુ રૂમનો દરવાજો ખોલી બહાર નિકળતા આરોપી સાધુ હરેશે તુર્ત જ લોખંડનો સળીયો માથામાં ફટકારી દીધો હતો. ત્યાર બાદ તેનું ગળુ દાબી માથામાં હથોડીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું અને રૂમમાં રહેલ રોકડ રૂ. ૮ થી ૯ હજાર અને મહંતનો મોબાઇલ ફોન લૂંટી લઇ નાસી છુટયો હતો.

આરોપી સાધુ હરેશ  ઉર્ફે હક્કો અગાઉ ભાણવડ, ઉપલેટા, ધોરાજી, જેતપુર, વિરપુર તથા ગોંડલ સહિતના સ્થળોએથી ૩૦ થી ૩પ બાઇકની ચોરી કરી હતી અને આ બાઇક ચોરીના ગુન્હામાં ૧૦ વર્ષ જેટલો સમય જેલમાં રહયો હતો. અઢી વર્ષ પહેલા જ જેલમાંથી છુટયો હતો અને રખડુ જીવન જીવતો હતો. ધોરાજી ખાતે આવેલ લાલદાસ બાપુના આશ્રમે પણ પડયો પાથર્યો રહેતો હતો અને મહંત પાસે રોકડ રકમ રહેતી હોય તેને લુંટી લેવાના ઇરાદે જ તેની હત્યા કરી હતી.

પકડાયેલ આરોપી સાધુ હરેશ રીઢો ગુનેગાર હોય મહંતની હત્યા કર્યા બાદ પોલીસને ગેરમાર્ગે દોરવા મહંત લાલદાસની લાશ  રૂમમાં રાખી પોતે બહાર નિકળી એક દોરી વડે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. તેમજ હત્યા કર્યા બાદ પોતાના લોહીવાળા ભગવા કપડા ત્યાં જ સળગાવી દીધા હતા જેથી આ સ્થળે કોઇ તાંત્રીક વિધિ થઇ છે તેવું પોલીસ માને. જો કે મહંતની હત્યા થયાનું ખુલ્યા બાદ રૂરલ પોલીસની ટીમે  તુર્ત જ આ હત્યાનો ભેદ ખોલી સાતીર  દિમાગના સાધુને દબોચી લીધો હતો.

હત્યાનો ભોગ બનનાર મહંત લાલદાસ બાપુ પોતે હૈયાત હતા ત્યારે પોતાની મુર્તિ બનાવી આશ્રમના રૂમમાં સમાધી લેવાની જગ્યા નક્કી કરી હતી ત્યાં પોતાની મુર્તિ મુકી હતી અને આજ સ્થળે  તેની હત્યા થઇ હતી.

પકડાયેલ સાધુ હરેશને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે.

(3:44 pm IST)