Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ભાવનગરના વાઘનગર ગામના સ્મશાનમાં થયેલ હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા

ભાવનગર તા. ર૬: ત્રણેક વર્ષ પૂર્વે ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના વાઘનગર ગામના સ્મશાનમાં બે શખ્સો બેઠા હતા તે વેળાએ બંને વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થતા એક શખ્સે ઉશ્કેરાઇ જઇ લાકડી અને લાદી વડે માથાના ભાગે માર મારતા ઇજાગ્રસ્ત આધેડનું મોત નિપજતા બનાવ હત્યામાં પરિણામ્યો હતો. આ અંગેનો કેસ મહુવાના એડીશ્નલ ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપી સામેનો હત્યાનો ગુનો સાબિત માની આજીવન કેદની સજા ફટકારી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મહુવા તાલુકાના વાઘનગર ગામે ગત તા. ૩૦-૩-૧પનાં રોજ સ્મશાનમાં સવારે આઠેક વાગ્યા આસપાસ બેઠેલ બે શખ્સો વચ્ચે કંઇક બાબતે બોલાચાલી થતા એક શખ્સે ઉશ્કેરાઇને લાકડી અને લાદી વતી માથાના ભાગમાં માર મારતા ઇજા પામનાર આધેડને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમીયાન મોત નિપજયું હતું.

વહેલી સવારના સુમારે વાઘનગર સથરા વાળો રોડ પર આવેલ સ્મશાનમાં મૃતક મંગળભાઇ ગોવિંદભાઇ શિયાળ (ઉ.વ. પપ) તેમજ આરોપી નાનુ કાનાભાઇ વાળા (રહે. ત્રાપજ) જે આશરે પાંચેક વર્ષ પહેલા મહુવા પંથકમાં કડીયા કામની મજુરી કરતો હોય તે કોટડા આવેલ ત્યાંથી વાઘનગર મૃતક મંગળભાઇને મળવા આવેલ આ બન્ને જણા વાઘનગર ગામના સ્મશાનમાં બેઠેલ જેમાં કંઇક બાબતે બંન્ને વચ્ચે બોલાચાલી થયેલ જેમાં આરોપી નાનુ વાળાએ ઉશ્કેરાઇ જઇને મૃતક મંગળભાઇના માથા અને કપાળના ભાગે લાકડી તેમજ લાદી મારતા લોહી લુહાણા મંગળભાઇને આસપાસ હાજર લોકો દ્વારા મહુવા હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડેલા પરંતુ સારવાર દરમીયાન મંગળભાઇનું મોત નિપજતા આ બનાવ હત્યામાં પરિણામ્યો હતો આ બનાવ અંગે મરણ જનાર મંગળભાઇના ભાઇએ મહુવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી નાનુ કાના વાળા સામે હત્યા સહિતનો ગુનો નોંધાયો હતો.

આ અંગેનો કેસ મહુવા એડી. ડીસ્ટ્રી. કોર્ટના જજ એમ. એસ. સીંધીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ અરવિંદ સોલંકીની દલીલો, આધાર પુરાવા, સાક્ષી વિગેરે ધ્યાને લઇ આરોપી નાનુ કાના વાળા સામેનો હત્યાનો ગુનો સાબીત માની આરોપીને આજીવન કેદ અને રોકડ રૂ. પ,પ૦૦ નો દંડ ફટકાર્યો હતો. (૭.૧૯)

(12:17 pm IST)