Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

વિરપુરની મેઈન બજાર-ચોકના દબાણો હટાવવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

વિરપુર, તા. ૨૬ :. વિરપુર ખાતે મેઈન રોડ દરબાર ચોક ખાતે આવેલી મારી મિલ્કત (મકાન)ની આજુબાજુમાં ભારે દબાણ થઈ ચુકયું છે. મકાનના આગળના ભાગમાં ૮ જેટલી કેબીનો ગેરકાયદેસર રીતે મુકાઈ ગઈ છે અને રસ્તો બંધ કરી દીધેલ છે. દરબાર ચોકએ વિરપુરનો રાજવી સમયનો મહત્વનો જાહેર વિસ્તાર છે. ૧૦૦/૧૦૦ ચોરસફુટનો વિરપુરનો આ ઐતિહાસિક હેરિટેજ જેવો આ ચોક પ્રવાસીઓ માટે અત્યંત ઉપયોગી ચોક છે. દબાણના કારણે આ ચોકની શાન ઝાંખી પડી ગઈ છે અને ચોક ગીચ થઈ જતા મુસાફરો અને સ્થાનિક રહેવાસીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ જાહેર ચોક હોવાથી પબ્લિકને અડચણરૂપ છે. અહીં આવેલી મારી મિલ્કતમાં મારે નવું બાંધકામ શરૂ કરવુ છે, પરંતુ દબાણના કારણે બાંધકામ સામગ્રી લાવવા લઈ જવા માટેનું વાહન ચાલી શકે તેમ નથી. ટ્રેકટર કે કોઈ પણ વાહન અહીં સુધી પ્રવેશી શકે તેમ નથી. વિરપુર એક વિખ્યાત ધાર્મિક અને પ્રવાસી સ્થળ છે. તેથી આવા નડતરો અગ્રતાના ધોરણે દૂર કરવા જોઈએ પરંતુ સ્થાનિક ઓથોરીટી ગ્રામ પંચાયત આ દબાણ હટાવતી નથી તેથી અમે તા. ૧૪-૯-૨૦૧૬ના પત્રથી આપને રજૂઆત કરી છે. અમારી રજૂઆત અન્વયે નાયબ કલેકટરશ્રી ગોંડલએ તા. ૨૭-૧૦-૨૦૧૬ના પત્રથી દબાણ હટાવવા મામલતદારશ્રી જેતપુર તથા પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી વિરપુરને સૂચના આપેલ છે, પરંતુ આ સૂચનાનો હજુ સુધી અમલ થયો નથી કે આ બાબતમાં કોઈ કાર્યવાહી થઈ હોય તો તેનો જવાબ પણ અમને મળેલ નથી, એટલે કે દબાણ યથાવત છે, ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલુ થઈ તે સમયે દબાણો હટાવી લેવા જાહેર ચેતવણી આપવા છતા વિરપુરમાં આવા દબાણો યથાવત છે.

જાહેર ચોકમાં સરકારી મિલ્કતમાં દબાણ કરી તેની ઉપર કેબીનો મુકીને પેટા ભાડે આપવાનો ધંધો પણ અહીં ચલાવવામાં આવી રહ્યો છે. સરકારી મિલ્કતનો બિનઅધિકૃત કબ્જો કરીને ભારે કમાણી કરી રહેલા દબાણકારો સરકારી મિલ્કતને નુકશાન કરી રહ્યા છે અને લોકો જાહેર સગવડનો લાભ મેળવી શકતા નથી. આ દબાણથી વ્યકિતગત રીતે મને પણ ઘણી જ મુશ્કેલી પડી રહી છે. મારા મકાનમાં જવા માટે આ દબાણ મને નડતરરૂપ છે. આપ સ્થળ તપાસ કરીને પણ આની ખરાઈ કરી સંબંધિત અધિકારીને આ દબાણ કાયમી રીતે દૂર કરી આપવા વિનંતી કરૂ છું. આ સમસ્યાનો ઉકેલ લાવી મને ત્વરિત પ્રત્યુત્તર પાઠવશો તેવી નમ્ર અપીલ કરૂ છું. અન્યથા આ પ્રશ્ન રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં રજુ કરવામાં આવશે તેવી રજુઆત મુખ્યમંત્રીના ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રવિણસિંહ જાડેજા નામના રહીશે કરી છે.(૨-૭)

(12:03 pm IST)