Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

હજુ ગીરમાં ૪ સિંહોને ઇજા - ૨ સિંહણ બિમાર હાલતમાં

વન વિભાગની ૧૦૨ ટીમના ૩૯૯ કર્મચારીઓ દ્વારા ૭૮૫ ચોરસ કિ.મી.ના વિસ્તારમાં ચકાસણી : જો કે હજુ ટોળા રૂપે ફરતા સિંહોની તપાસણી જરૂરી

 જુનાગઢ તા. ૨૬ : તાજેતરમાં ગીર પુર્વ ધારી વિસ્તારમાં દરખાણીયા રેન્જમાં ૬ સિંહ બાળ સહિત કુલ ૧૧ સિંહોનાં ઈન્ફાઈટીંગ, ઈનફેકશન તેમજ તેના થકી થયેલ ઈજાનાં કારણે મૃત્યુ બાબતે ગુજરાત વન વિભાગ દ્વારા સાવચેતીના પગલારૂપે સઘન ચકાસણીની એક ઝૂંબેશ તા. ૨૩-૯-૨૦૧૮થી હાથ ધરવામાં આવેલ છે. જેથી ચોક્કસ અવલોકન કરી સ્વાસ્થ્ય તેમજ સિંહોની રોજીંદી જીંદગી બાબતે જાણકારી મેળવી શકાય અને જો કોઇ ઈજાગ્રસ્ત પ્રાણી દેખાય તો તેની સારવાર હાથ ધરી શકાય.

આ કામગીરી તા. ૨૪-૯-૨૦૧૮થી શરૂ કરવામાં આવેલ છે. જે બપોરે ૧૨-૦૦ વાગ્યા સુધીમાં વનવિભાગની ૧૦૨ ટીમનાં કુલ ૩૯૯ કર્મચારીઓ(ફોરેસ્ટગાર્ડ, ફોરેસ્ટર, ટ્રેકર) દ્વારા ગીર પુર્વ અને ગીર પશ્વિમમાં આવતા નેશનલપાર્ક, ચેન્ચયુરીનાં સંલગ્ન વિસ્તાર પૈકી આશરે ૭૮૫ ચોરસ કી.મી.વિસ્તારની ચકાસણી પુર્ણ કરી લેવામાં આવેલ છે. જેમાં ૪૯૦ ચોરસ કીલોમીટર રક્ષીત વિસ્તાર અને ૨૯૫ ચો.કીમીની ગીર બહારનો વિસ્તાર સામેલ છે.

આ ચકાસણી દરમ્યાન ૧૬૪ સિંહો જોવા મળેલ છે. જે પૈકી ફકત ૪ સિંહોમાં સામાન્ય ઈજા જોવા મળેલ જયારે એક સિંહણ કમજોર તેમજ અન્ય એક સિંહણ વધુ બિમાર હાલતમાં જોવા મળેલ જયારે બાકીનાં ૧૫૮ સિંહ સારી અને તંદુરસ્ત હાલતમાં  જોવા મળેલ છે. ગીર પશ્વિમ વીભાગમાં સામાન્ય ઈજા વાળા સિંહને સ્થળ ઉપર જ સારવાર આપીને મુકત કરવામાં આવેલ છે. જયારે ગીર પુર્વ વિભાગનાં દલખાણીયા રેન્જમાં સરસીયા વીડી વિસ્તારમાં જોવા મળેલ વધુ બિમાર હાલતમાં મળેલ એક સિંહણને તા. ૨૪-૯-૨૦૧૮નાં રોજ રેસ્કયુ સેન્ટરમાં લાવીને સારવાર આપવામાં આવેલ, તે સિંહણનું સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ છે. આ સિંહણની ઉમર આઠ થી નવ વર્ષ જેટલી હતી. અને તેના શરીરમાં માઈક્રો ચિપ્સ નંબર ૦૦-૦૭૭૦-૧૪૬ સી મળી આવેલ છે. જેના આધારે જાણવા મળે છે કે આ સીંહ તા. ૪-૯-૨૦૧૬નાં રોજ આ જ વિસ્તારમાંથી બિમાર હાલતમાં રેસ્કયુ કરી સારવાર બાદ મુકત કરેલ હતી. તેના બ્લડ સેમ્પલ ટીસ્યુ તેમજ અન્ય ચકાસણીની કાર્યવાહી ચાલુ છે. તે સિવાય એક કમજોર દેખાતી સિંહણને સારવાર અર્થે રેસ્કયુ કરવાની કામગીરી ગતીમાન છે.

દલખાણીયા રેન્જનાં સરસીયા વીડી વિસ્તારનાં સિંહોની નિરીક્ષણ અને પકડવાની કામગીરી ગતીમાં છે. બાદ તેઓની આરોગ્ય ચકાસણીની કામગીરી હાથ ઉપર લેવામાં આવશે. સિંહોની હાજરીવાળા વિસ્તારની ચકાસણી ઝુંબેશમાં કાર્યરત તમામ ટીમો દ્વારા બાકીનાં વિસ્તારની ચકાસણીની કામગીરી ચાલુ છે.તેમ અગ્ર મુખ્ય વનસંરક્ષકશ્રી વન્યપ્રણી ગુજરાત રાજય ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સિંહોના ટપોટપ મોત થઇ રહ્યા છે અને અત્યાર સુધીમાં ૧૪ સિંહોનો ભોગ લેવાયો છે.  ત્યારે ટોળા રૂપે ફરી રહેલા સિંહોની કાળજી લઇને તેમાં કોઇ રોગચાળો પ્રસર્યો નથી ને ? તે તપાસ કરવી જરૂરી છે.(૨૧.૧૨)

(11:44 am IST)