Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

પ્રોસ્ટેટનો રામબાણ ઇલાજ : આયુર્વેદ

કુદરતે આપેલા માનવ શરીરમાં આજની લાઇફ સ્ટાઇલમાં અનેક રોગો આવી રહ્યા છે. આ રોગો માટે વિવિધ ચિકિત્સા પધ્ધતિઓ પણ કરવામાં આવે છે. વર્ષો પુરાણા આયુર્વેદક્ષેત્રે અનેક અસાધ્ય રોગો પર પણ રીઝલ્ટ તો મેળવ્યા છે ત્યારે ખાસ કરીને મહિલા અને પુરૂષોમાં મળ અને મુત્ર માર્ગે થતા રોગોનું પ્રમાણ વધ્યુ છે. હાલ આ પ્રકારના રોગો થવાથી લોકો મોટાભાગે આ પ્રકારના રોગોમાં શરમાઇને નજર અંદાજ કરતા હોય છે અને દુઃખ સહન કરતા હોય છે. પરંતુ આ પ્રકારના રોગને તાત્કાલીક જ સારવાર આપી કાબુમાં લઇ શકાય છે. જેના માટે ખાસ આયુર્વેદ ઉપચાર ખૂબ જ કારગત સાબિત થયાના અનેક ઉદાહરણો છે.

હાલના સમયમાં પુરૂષોમાં પ્રોસ્ટેટના લક્ષણો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. પ્રોસ્ટેટ માટે એલોપેથી ઉપરાંત આયુર્વેદમાં ખૂબ જ સારી અને અસરકારક સારવાર પધ્ધતી ઉપલબ્ધ છે ત્યારે પ્રોસ્ટેટ અંગેની કેટલીક માહિતીઓ જાણીને ગુલાબકુંવરબા આયુર્વેદ ચિકિત્સાલયના જાણીતા વૈદ્ય ડો.જોયલ પટેલ અને ડો.ટી.એસ.દુધમલ પાસેથી .....

પ્રોસ્ટેટ અને આયુર્વેદ પ્રોસ્ટેટ શું છે ?

અખરોટ જેટલા કદ અને આકારવાળી પ્રોસ્ટેટ ગ્રંથી મુત્રાશયની નીચે તથા મળી અને પુરૂષના ઇન્દ્રિયના મૂળની લગભગ મધ્યમા આવેલી છે. મુત્રાશયના નીચેના શીધ્રથી શરૂ થતો મુત્ર માર્ગ પ્રોસ્ટેટને વીંધીને પુરૂષ ઇન્દ્રિય માંથી પસાર થઇ છેક છેડે પુરો થાય છે. પ્રોસ્ટેટ ગ્રંથીના પ ભાગ છે.

૧) આગળનો ભાગ (ર) પાછળનો ભાગ (૩) મધ્યનો ભાગ (૪ અને પ) જમણો અને ડાબો એમ બે બાજુના ભાગ

પ્રોસ્ટેટ ગ્રંથીનું કાર્ય શું છે ?

પ્રોસ્ટેટ ગ્રંથી માથી દુધિયા રંગનું આલ્કાલાઇન પ્રવાહી નીકળે છે. તે સીમેન (વીર્ય)નો ૭૫ ટકા ભાગ છે. બાકીનો ૨૫ ટકા ભાગ શુક ગ્રંથીથી (ટેસ્ટીસ)માંથી નીકળતા શુક્રાણુનો છે. સમાગમ વખતે વીર્ય જયારે પુરૂષ ઇન્દ્રિય માંથી નીકળે છે. ત્યારે સેમીનલ વેસાઇલક (વીર્ય સંગ્રહ કરનારી કોથળી) માંથી પ્રોસ્ટેટ માંથી અને ટેસ્ટીસ માંથી નીકળે છે. ટેસ્ટીસ સાથે પ્રોસ્ટેટને પણ આ કારણથી પુરપથી કહે છે. સમાગમ વખતે અથવા હસ્તમૈથુન વખતે જયારે પુરૂષમાં ઉત્તેજના થાય છે ત્યારે પ્રોસ્ટેટમાં રહેલા સ્નાયુઓના સંકોચનથી વીર્ય નીકળે છે જે મુત્ર માર્ગમાં થઇ ઇન્દ્રિયમાંથી બહાર નીકળે છે.

પ્રોસ્ટેટ ગ્રંથીની વૃધ્ધિ થવાના કારણો શું છે ?

પ્રોસ્ટેટ ગ્રંથીની વૃધ્ધિ થવાના મુખ્ય બે કારણો છે ૧) ઉંમર અને (ર) હોર્મોનલ ઇમ્બેલેન્સ (અંતસ્ત્રાવમાં ફેરફાર) સામાન્ય રીતે પ્રોસ્ટેટ ગ્રંથીની વૃધ્ધિ ૪૦ થી ૫૦ વર્ષની ઉમર પછી થાય છે અને તે આગળ જતા જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ વધતી જાય છે. વૃધ્ધાવસ્થામાં પુરૂષમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ઘટવાથી અને ઇસ્ટ્રોજન હોર્મોન વધવાથી આ સમસ્યા સર્જાય છે. બીજા અન્ય કારણોની વાત કરીએ તો બેઠાળુ જીવન કબજીયાત, મેદસ્વીપણુ, વ્યસનોના ટોકસીન્સ, વારસાગત હોર્મોનલ ફેરફાર, વેગાવરોધ (પેશાબને લાંબો સમય રોકી રાખવો) વગેરેનો સમાવેશ થાય છે.

પ્રોસ્ટેટ ગ્રંથીની વૃધ્ધિના લક્ષણો શું છે ?

અમેરિકાની યુરોલોજી એશો.ને પ્રોસ્ટેટ ગ્રંથીની વૃધ્ધિના લક્ષણોને એક સ્કોરીંગ પેટર્ન તરીકે બતાવેલ છે.

- પેશાબ બહુ ધીમો આવે અને એકધારો ન આવે.

- પેશાબ પરનો કાબુ ઓછો થાય છે. એટલે કે પેશાલ લાગે ત્યારે તુરંત જ તાત્કાલીક જવુ઼ પડે છે.

-- પેશાબ શરૂ કરતા વાર લાગે છે એટલે કે રાહ જોવી પડે છે.

- પેશાબ કરવા માટે વારંવાર જવુ પડે છે.

- રાત્રે વારંવાર પેશાબ લાગે છે.

- પેશાબ કરતી વખતે બળતરા થાય છે.

- પેશાબ કરીને આવ્યા પછી કોથળીમાં રહી ગયો હોય તેવું લાગતા ફરીથી જવું પડે છે.

- સમય પર સારવાર ન થતા પેશાબ ભરાઇ રહે, ચેપ લાગવો, પેશાબમાં લોહી આવવુ, મુત્રાશય અને કિડનીમાં પણ નુકશાન થઇ શકે છે.

પ્રોસ્ટેટની ગાંઠના પ્રકાર અને તપાસ કેવી રીતે થાય ?

- સૌપ્રથમ ગુદામાં આંગળી નાખી તે વડે પ્રોસ્ટેટ ગ્રંથીનો પ્રમાણ અને પરિસ્થિતિ સરળ રીતે તબીબ દ્વારા ચકાસી શકાય છે. તેને પર રેકટલ ડીઝીટલ એકઝામિશન કહે છે.

- આધુનિક અલ્ટ્રા સોનોગ્રાફીથી પણ પ્રોસ્ટેટનું પ્રમાણ અને પરિસ્થિતિ જાણી શકાય છે. તેના સિવાય ટ્રાન્સ રેકટલ અલ્ટ્રા સોનોગ્રાફીની મદદથી પણ પ્રોસ્ટેટની સાઇઝ ચોકકસપણે જાણી શકાય છે.

- યુરો ફલોમેટ્રી ટેસ્ટથી પણ પેશાબની ધારની ઝડપ અને પ્રમાણ દ્વારા પેશાબના અટકાવના પ્રકાર તથા પેશાબ કોથળીમાં કેટલો રહી જાય છે તે જાણી શકાય છે.

- પ્રોસ્ટેટ સ્પેસિફીક એન્ટીજન ટેસ્ટથી પ્રોસ્ટેટની ગાંઠના પ્રકાર જાથી શકાય છે. તેની નોર્મલ વેલ્યુ ૦.૪ એનજી-એમએલ છે. જો આ વેલ્યુ ૪.૧૦ હોય તો બીપીએચ  પ્રોસ્ટેટની સાદી ગાઠ હોય તેવુ માની શકાય છે. જો આ વેલ્યુ ૧૦-૧૫ થી ઉપર હોય તો પ્રોસ્ટેટની કેન્સર ગાઠ હોવાની શકયતા રહી શકે છે. દરેક વખતે આ વેલ્યુ સાચી જ હોય તેવુ માની શકાય નહી.

- બાયોપ્સી ટેસ્ટથી પ્રોસ્ટેટની ગાંઠ સાદી છે કે ઝેરી (કેન્સર) તે ચોકકસપણે જાણી શકાય છે.

પ્રોસ્ટેટ ગ્રંથીની વૃધ્ધિની સારવાર

એલોપથી સારવાર : એલોપથી સારવારમાં પ્રોસ્ટેટ વૃધ્ધિ માટે ઘણી દવાઓ છે જેમ કે ટેમ્સ્યુલોસીન, ફિનાસ્ટરાઇડ, આલ્કયુઝોસીન વગેરે... આ બધી દવાઓથી પ્રોસ્ટેટની આજુબાજુના સ્નાયુઓ ઢીલા થઇ જાય છે અને તેના કારણે પેશાબ સરળતાથી ઉતરી જાય છે. પેશાબમાં જોર કરવુ પડતુ નથી. પરંતુ તેના કારણે બીજી સાઇડ ઇફેકટ પણ થાય છે જેમ કે શરીરમાં નબળાઇ આવવી, ઇન્દ્રિયની ઉત્તેજના ન થવી, સેકસયુઅલ સમસ્યા વધવી વગેરે.

આ સિવાય સર્જરી એ એક માત્ર સારવાર છે અત્યારના સમયમાં આધુનિક સારવારમાં સર્જરીની ઘણી બધી વ્યવસ્થાઓ છે. પરંતુ  સામાન્ય રીતે ટ્રાન્સ યુરેથરાલ રીસેકશન ઓફ પ્રોસ્ટેટ જે દુરબીનથી  પ્રોસ્ટેટનો વધારાનો ભાગ કાઢી નાખે છે. સૌથી વધારે ઉપયોગી સર્જરી છે. જેના પોતાની પણ આડઅસરો છે. જેમ કે લોહી નીકળવું પેશાબ રોકી ન શકવો વગેરે.

આર્યુવેદ સારવાર

આયુર્વેદમાં પ્રોસ્ટેટ ગ્રંથીની વૃધ્ધિએ સુશ્રુત આચાર્યએ બતાવેલ ૧૨ પ્રકારના મુત્રાઘાતમાં એક પ્રકાર અષ્ઠીલા સાથે સરખાવી શકાય છે. જેમાં મુખ્યત્વે વાત અને કફ દોષ જવાબદાર છે. આયુર્વેદની કાશી ગણાતા જામનગરમાં ગુજરાત આર્યુવેદ  યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો. સંજીવ ઓઝાની રાહબરી હેઠળ આઇપીજીટીએન્ડ આર.એ.ના ડાયરેકટર ડો.અનુપ ઠાકર અને ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના ઇન્ચાર્જ આચાર્ય ડો. સી.એચ.બાબરીયાના માર્ગદર્શન હેઠળ અનેક આયુર્વેદ  ક્ષેત્રે સારવાર કરવામાં આવી રહી છે. પ્રોસ્ટેટની વધી રહેલી બીમારીઓ માટે ગુલાબકુંવરબા આયુર્વેદ ચિકિત્સાલય અને આઇપીજીટીએન્ડ આરએ વિભાગમાં પુરૂષોને પ્રોસ્ટેટના રોગની વિનામુલ્યે સારવાર આપવામાં આવે છે.

અહી ઘણા બધા રિસર્ચ પરથી તારણ કઢાયુ છે કે, માત્રા બસ્તિ, જેમાં ગુદાના ભાગે આયુર્વેદિક ઔષધોથી બનાવેલુ તેલ ચઢાવવામાં આવે છે. જેનાથી પ્રોસ્ટેટની ગાંઠ વધતી અટલે છે અને કેટલાક કેસોમાં તો ગાઠ ઓછી થતી જોવા મળે છે. અત્યાર સુધી આયુર્વેદની ઘણી દવાઓ જેમ કે કાંચનાર ગુગળ, ગોક્ષુરાદિ ગુગળ, વરૂણશિગૃ ગુગળ, બાલા તેલ, ગોક્ષુર ધાન્યક ધૃત, ઉશીરાદી તેલ વગેરે ઉપર રિસર્ચ થઇ ગયેલા છે. જેમાં ખૂબ સારા રીઝલ્ટ મળ્યા છે. (૪૫.૮)

સંકલન : ડો. જોયલ પટેલ, જામનગર

(1:10 pm IST)