Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ગોંડલની સગર્ભા મહિલાને સ્‍વાઇન ફલૂ પોઝીટીવ : ડિલિવરી કરાવીને નવજાત બાળક અને માતા સારવારમાં

ગોંડલ તા. ૨૫ : ગુજરાત રાજયમાં સ્‍વાઇન ફલૂના કેસ નોંધાઈ રહ્યા છે ત્‍યારે અત્રેના ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે આવેલ ગર્ભવતી મહિલાને સ્‍વાઈન ફલૂનો કેસ પોઝિટિવ આવતા તાબડતોબ ડીલેવરી કરાવવામાં આવી હતી અને સ્‍વાઈન ફલૂની સારવાર શરૂ કરવામાં આવી હતી નવજાત શિશુને એલ.આઇ.સી યુ મા ખસેડવામાં આવ્‍યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નેશનલ હાઈવે પરની સોસાયટીમાં રહેતા અને જેતપુર માવતર ધરાવતા ૨૪ વર્ષીય મહિલા પોતાની પ્રથમ ડિલિવરી માટે પહોંચ્‍યા હતા. પ્રસૂતિની તારીખ નજીક હોય તે દરમિયાન જ શરદી તાવ વધી જતા સારવાર માટે ગોંડલ આવ્‍યા હતા. ટ્રસ્‍ટની હોસ્‍પિટલ અને ખાનગી હોસ્‍પિટલમાં ન્‍યુમોનિયા સસ્‍પેક્‍ટ જણાતા વધુ સારવાર માટે અત્રેની જેતપુર રોડ ઉપર આવેલ ક્રિષ્‍ના મલ્‍ટી સ્‍પેશિયાલિસ્‍ટ હોસ્‍પિટલમાં આવતા તેઓની ઝીણવટ ભરી સારવાર શરૂ કરવામાં આવી હતી અને સસ્‍પેક્‍ટેડ સ્‍વાઈન ફલૂ અંગેનો રિપોર્ટ રાજકોટ ગવર્મેન્‍ટ હોસ્‍પિટલમાં મોકલવામાં આવ્‍યો હતો જે પોઝિટિવ આવતા તુરંત જ તેમના પરિવારજનોની રજા મંજૂરી લઈ સિઝેરિયન કરી પ્રસૂતિ કરાવવામાં આવી હતી અને નવજાત શિશુને એનઆઈસીયુ માં એડમીટ કરવામાં આવ્‍યું હતું. જયારે દર્દીને ડો. ધાર્મિક બાલધા તેમજ ડો. કૌશલ ઝાલાવાડીયાની નિગરાનીમાં આઇસોલેશન આઇસીયુ સ્‍વાઈન ફલૂ વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે.

(11:26 am IST)