Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવારઃ સોમનાથમાં દર્શન કરવા ઉમટતા ભાવિકો

ગીર સોમનાથ :પવિત્ર શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર છે. જેને કારણે ગુજરાતભરના શિવાલયોમાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી છે. ત્યારે ગુજરાતના પ્રખ્યાત એવા સોમનાથ ર્જયોર્તિલિંગમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી છે

સોમનાથમાં વહેલી સવારથી લાઈન
ગુજરાતમાં આવેલું સોમનાથ મંદિર દેશભરના બાર જયોર્તિલિંગમાંનુ એક છે. સોમનાથ મંદિર આમ તો બારેમાસ ભક્તોથી છલકાતુ હોય છે, પરંતુ શ્રાવણ મહિનામાં અહીં દર્શનાર્થીઓની સંખ્યા વધી જતી હોય છે. તેમાં પણ આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હોઈ સોમનાથ મંદિરે વહેલી સવારથી ભક્તોની કતારો લાગી હતી. દિવસનું અજવાળુ થાય તે પહેલા ભક્તો લાઈન લગાવવા માટે મંદિર પરિસરમાં પહોંચી ગયા હતા

પવિત્ર શ્રાવણ મહિનામાં અનેક રાજકીયો હસ્તીઓ તથા મહાનુભાવો ખાસ સોમનાથના દર્શને આવતા હોય છે. આજે છેલ્લો દિવસ હોઈ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સોમનાથ દર્શને પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

અન્ય મંદિરોમાં પણ ભીડ ઉમટી
શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોઈ ગુજરાતના તમામ શિવમંદિરમાં ભક્તો ઉમટ્યા છે. ભક્તો દૂધ, જળ અને બિલ્વપત્ર ચઢાવી ભક્તિભાવથી પૂજા કરી રહ્યાં છે. મહાદેવની પૂજા અર્ચના કરવા વૃદ્ધો, યુવાનો, સ્ત્રીઓથી સવારથી શિવાલયોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

(12:03 pm IST)