Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

કચ્છના જૈન પરિવારની પુત્રવધુએ અંગદાન કર્યું: બ્રેન ડેડ થયા બાદ લિવર, કિડની, ફેફસાં દ્વારા પાંચ દર્દીઓને 'જીવનદાન' આપ્યું

ભુજના પુત્રવધુ અને ગાંધીધામના પરિવારની સુપુત્રી ૩૮ વર્ષીય અર્પણા તુષાર વોરા અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં બ્રેઈન સ્ટ્રોકની સારવાર લઈ રહ્યા હતા

(વિનોદ ગાલા દ્વારા) (ભુજ) અસાધ્ય રોગ દરમ્યાન થતાં દર્દીના મૃત્યુ વચ્ચે જો સ્વજનો દ્વારા અંગદાન કરવામાં આવે તો અન્ય દર્દીઓને નવજીવન મળી શકે છે. આવું પ્રેરણાદાયી કાર્ય કચ્છના જૈન પરિવારે કર્યું છે.  ભુજના પ્રવિણાબેન ભરતભાઈ કાંતિલાલ પરિવારના પુત્રવધુ અને ગાંધીધામના કમલબેન રવિલાલ મહેતા પરિવારના સુપુત્રી ૩૮ વર્ષીય અર્પણાબેન તુષાર વોરા બ્રેઈન ડેડ જાહેર થયા બાદ તેમના  ફેફસાં,  કિડની, લિવરનું દાન કરી પાંચ દર્દીઓને "જીવનદાન" અપાયું હતું. જ્યારે આંખો આઈ બેંકમાં રખાઈ છે. અત્યારે વ્યવસાય અર્થે મુંબઈ સ્થાયી થયેલા અર્પણાબેન તુષાર વોરાને ગત શુક્રવારે માત્ર માથા ના દુખાવો થયો હતો. ત્યાર બાદ અર્પણાબેન ને બ્રેઈન સ્ટ્રોક થતાં પહેલાં મુંબઈની લીલાવંતી હોસ્પિટલમાં અને પછી એર એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ ની ઝાયડસ હોસ્પિટલ માં ખસેડી ત્યાં સારવાર માટે દાખલ કરાયા હતા. અહીં બ્રેઈન ડેડ જાહેર કરાયા બાદ તેમના પરિવારજનોએ તેમનું અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. આરોગ્ય સેવા ક્ષેત્રે કાર્યરત ભુજના યુવા સામાજિક કાર્યકર મિતેષ શાહે લોકોને અંગદાન કરી અન્ય દર્દીઓને જીવનદાન આપવાના પ્રેરક કાર્યની સરાહના કરી આ માટે વધુ જાગૃતિ આવે તેવી અપીલ કરી છે.

(10:09 am IST)