Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

જામનગરમાં તાંત્રિકવિધિના નામે દોઢ લાખ પડાવનારા 3 ધૂતારાની ધરપકડ

10 કરોડનો વરસાદ થશે તેવી લાલચ આપીને દોઢ લાખ પડાવ્યા

જામનગર, અમદાવાદ અને અમરેલીના ત્રણ શખ્સોએ વિસાવદરના એક હોટેલના માલિકને તેના પર થયેલ દોઢ કરોડનું કર્જ ઉતારવા માટે તાંત્રિક વિધિ કરવાના બદલામાં 15 લાખ માંગી છેતરપીંડી કર્યાનું સામે આવ્યું છે. તાંત્રિક વિધિ બાદ ગિરનારની એક ગુફામાં લઇ જવાશે અને ત્યાં 10 કરોડનો વરસાદ થશે તેવી લાલચ આપીને દોઢ લાખ પડાવી લીધાનું સામે આવતા પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરીને વધુ પૂછતાછ હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર, વિસાવદરમાં આનંદપાર્ક સોસાયટીમાં રહેતા અને મિલન હોટેલ રેસ્ટોરન્ટ ધરાવતા ધવલ રીબડીયા પર દોઢેક કરોડનું દેણું થઈ જતા તે ટેન્શનમાં હતા, ત્યારે તેની હોટેલ પર આવેલા અમદાવાદના દેવરાજસિંહ અજીતસિંહ જાડેજા નામના શખ્સ સાથે મિત્રતા બંધાઈ હતી. દેવરાજે ધવલને દોઢ કરોડનું કર્જ ઉતારવા માટે તાંત્રિક વિધિ કરવા માટે મોબાઈલમાં અનેક વિડીયો અને ઓડિયો રેકોર્ડીંગ બતાવી અને બરોબરનો પોતાનો જાળમાં ફસાવી લીધો હતો અને ગિરનારની એક ગુફામાં રહેતા મહાત્માને તે પોતે ઓળખે છે અને તેઓ તાંત્રિક વિધિ બાદ તેની ગુફામાં 8 થી 10 કરોડનો વરસાદ કરશે. તેના માટે 15 લાખનો ખર્ચ થશે તેમ કહેતા ધવલે વિશ્વાસમાં આવીને હા પાડી હતી.

બાદમાં દેવરાજે તેના બે મિત્રો પ્રહલાદસિંહ કાયમસિંહ પરમાર અમરેલી, અને હિરેન ઉર્ફે કાકા મનુભાઈ ચંદરેશા વસંતવાટિકા જામનગર સાથે મળીને ધવલના ઘરે આવ્યા હતા અને ઘરે રોકાઈ અને ત્રણ દિવસ તાંત્રિક હવન કર્યો હતો. ધવલે 15 લાખ પૈકીના દોઢ લાખ રૂપિયા એડવાન્સ આપી દીધા હતા.

બાદમાં હવન પૂરો થતા બાકીની રકમની વ્યવસ્થા ન થતા તે મુંજાયા હતા, આ વાત ધીમેધીમે પોલીસ સુધી પહોચતા વિસાવદર પોલીસે ત્રણેયની અટક કરીને પૂછતાછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેને લઈને ત્રણેયની ધરપકડ કરીને તેમના સામે છેતરપીંડીની કલમનો ઉમેરો કરીને રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

(9:36 pm IST)