Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

કંડલાથી કન્ટેનર ચોરી કાપી નાખવાનું જબરદસ્ત કૌભાંડ ઝડપી લેતી મોરબી એલસીબી.

મોરબીના અમરેલી રોડ ઉપર બાવળની કાંટમાં કન્ટેનર કાપી ભંગાર વેચાણ કરતા ચાર આરોપી 13.82 લાખના મુદ્દામાલ સાથે પકડાયા

મોરબી :  કંડલા અને મુન્દ્રા બંદરેથી આખેઆખા કન્ટેનર ચોરી મોરબી લાવી કન્ટેનર કાપી ભંગારમાં વેચી મારવાનું જબરદસ્ત કૌભાંડ મોરબી એલસીબીએ ઝડપી લઈ રૂપિયા 13,82,850ના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી દ્વારા મોરબી શહેર જિલ્લામાં મિલ્કત સબંધી ગુના અટકાવવા તેમજ બનેલ ગુના શોધી કાઢી ગુનેગારો અને અસામાજીક તત્વો ઉપર જરૂરી વોચ તપાસ રાખી ગેર કાયદેસર પ્રવૃતિ આચરતા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા મોરબી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા સુચના આપતા એલસીબી ટીમના પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી.સ્ટાફના માણસો ગેર કાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ધોસ બોલાવવાની કામગીરી અર્થે કાર્યરત હતા.
દરમિયાન એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઇ કાણોતરા તથા પોલીસ દશરથસિંહ પરમારને સયુકત રીતે બાતમી મળી હતી કે મોરબી – અમરેલી રોડ ઉપર આવેલ મહાકાળી માતાજીની ડેરી પાસે બાવળની કાંટ તથા ખુલ્લી જગ્યામાં અમુક લોકો અન્નધિકૃત રીતે ચોરાવ કન્ટેનરો બહારથી લાવી તેનું કટીંગ કરી તેનો ભંગાર કરી તેને ભંગારમાં વેચવાની પેરવી કરવાનું કામ કરે છે.
  જે અન્વયે એલસીબી ટીમે આ જગ્યાએ દરોડો પાડતા રવિ વિનોદભાઇ પંસારા ( રહે. વીસીપરા મેઇન રોડ, મોરબી) નકુલ કરશનભાઇ મંદરીયા, (ભીમસર, વેજીટેબલ રોડ, મોરબી), મહેન્દ્ર ભરતભાઇ સોલંકી(રહે. શોભેશ્વરરોડ, કુબેર ટોકિઝ પાછળ મોરબી )અને ફિરોજ રહીમભાઇ મમાણી( રહે.સુરેન્દ્રનગર, બસ સ્ટેન્ડ પાછળ, ખાટકીવાસ વાળા )કન્ટેનર કાપતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.
વધુમાં એલસીબી ટીમે બનાવ સ્થળેથી કેનકોર કંપનીનાં કન્ટેનર નંગ-4 કિંમત રૂપિયા 10 લાખ, કન્ટેનર કટીંગનો લોખંડનો ભંગાર અંદાજીત વજન 8370 કિલોગ્રામ કિંમત રૂપિયા 2,92,950, ગેસના નાના મોટા સીલેન્ડર નંગ -24 કિંમત રૂપિયા 69000, ગેસ કટર ગન પાઇપ સાથે નંગ-3 કિમત રૂ.6000 તેમજ મોબાઇલ ફોન નંગ-3 કિંમત રૂપિયા 15000 સહિત કુલ 13,82,950નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ, એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા,એ.ડી.જાડેજા, પેરોલ ફર્લો સ્કવોડ તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(11:31 pm IST)