Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

28મીએ મોરબી પાલિકાની સામાન્યસભા : જમ્બો જેટ એજન્ડાની સાથે વિવિધ સમિતિની રચના કરાશે.

ડોર ટુ ડોર કચરાના તેમજ અન્ય બે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા તેમજ બે શાકમાર્કેટનું નવીનીકરણ કરવા દરખાસ્ત: નગરસેવકોનો પ્રજાપ્રેમ ઉભરાયો, વિકાસકામોની ઢગલો યાદી

મોરબી : ભાજપની છલોછલ બહુમતીવાળી મોરબી નગરપાલિકાની સામાન્ય સભા આગામી તા.28ને સોમવારે મળી રહી છે ત્યારે સામાન્ય સભામાં જમ્બો જેટ એજન્ડા તમામ સભ્યોને મોકલી આપવામાં આવ્યો છે. સામાન્ય સભામાં વર્ષો જૂની શાકમાર્કેટનું નવીનીકરણ, કામગીરીમાં બેદરકાર ત્રણ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા અને વિવિધ સમિતિઓની રચના કરવા સહીત કુલ 63 દરખાસ્તો મુકવામાં આવી છે. સામાન્યસભાનું કાઉન્ટ ડાઉન શરૂ થતાની સાથે જ મલાઈ અને મોભાદાર સમિતિના ચેરમેન ચેરપર્સન બનવા લોબિંગ પણ શરૂ થયું હોવાનું જાણવા મળે છે.
મોરબી નગરપાલિકામાં તમામ 52 સીટ ભારતીય જનતા પાર્ટીના ફાળે આવ્યા બાદ ત્રીજી સામાન્ય સભા આગામી તા.28ને સોમવારે મળનાર છે જેમાં એજન્ડા ઉપર કુલ 63 આઈટમ લેવામાં આવી છે, સામાન્ય સભામાં શહેરના તમામ 13 વોર્ડમાં સાર્વજનિક પ્લોટમાં પેવર બ્લોક નાખવા, વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા ગોઠવવી, માધાપર વાડી અને વેજીટેબલ રોડ સોનાપુરીમાં ગેસ આધારિત ભઠ્ઠી ફિટ કરવી, લાતીપ્લોટ વિસ્તારના વર્ષો જુના પ્રશ્નનો ઉકેલ લાવી વરસાદી પાણીનો નિકાલ કરવો, સ્ટ્રીટ લાઈટ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી, નગરપાલિકામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા સરકારમાં દરખાસ્ત કરવી સહિતના મુદ્દા સમાવવામાં આવ્યા છે.

દરમિયાન વજેપરમા બનાવવામાં આવેલી આવાસ યોજનામાં વધારાના આવાસ બનાવવા, ડોર ટુ ડોર કલેક્શનનું કામ કરતી શાંતિ કોર્પોરેશન અને જે.ડી.પટેલ તેમજ એરીસ ઇન્ફ્રાટેક પેઢીને બ્લેકલિસ્ટ કરવી, પંડિત દીનદયાળ વેજીટેબલ માર્કેટ અને શોપિંગનું નવિવનીકરણ, જૂની શાકમાર્કેટનું નવીનીકરણ, વાંચનાલય માટે ખર્ચ, સફાઈ કર્મચારીઓનું નવું મહેકમ મંજુર કરવું, વિવિધ સમિતિની રચના કરવી, ભૂગર્ભ ગટર યોજનાના નિયમો બનાવવા સહિતની દરખાસ્ત પણ કરવામાં આવી છે.

સામાન્ય સભામાં મોરબીના તમામ માર્ગો ઉપર આવેલા હયાત ડિવાઇડરને ઉંચા બનાવી વચ્ચે વૃક્ષ વાવવાની સાથે ચાલુ વર્ષે પ્રિ મોન્સૂન કામગીરી માટે કરવામાં આવેલ રૂપિયા 60 લાખનો ખર્ચ મંજુર કરવાની દરખાસ્ત મુકવામાં આવી છે આ ઉપરાંત તમામ 13 વોર્ડના ચૂંટાયેલા નગર સેવકો દ્વારા પોતપોતાના વિસ્તાર માટે પ્રજાલક્ષી કામો જેવા કે સીસી રોડ, પેવર બ્લોક સહિતના કામ અંગે પણ મોટાપ્રમાણમાં દરખાસ્ત કરવામાં આવી છે.

ખાસ કરીને પાલિકાની સાધારણ સભામાં વિવિધ ડઝનેક જેટલી સમિતિઓની રચના કરવાનો મુદ્દો સમાવાયો હોય મલાઈ અને મોભાદાર સમિતિ હસ્તગત કરવા હાલમાં નગરસેવકોમાં ભારે ઉત્સાહ જાગ્યો છે અને વગદારો દ્વારા સંગઠન લેવલે સોગઠાં ગોઠવવા લોબિંગ કરવામાંઆવી રહ્યું છે ત્યારે જુના અને અનુભવી મોભીઓના નામ સમિતિ માટે ફાઇનલ કરાયા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

(10:48 pm IST)