Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ડાયાબિટીસ જેવા રોગો માટે અતયંત ગુણકારી રાવણાનું એક વૃક્ષ દર વર્ષે ૨૫ હજારની કમાણી કરાવે છેઃ સોરઠમાં અનેક લોકો રાવણા-જાંબુની ખેતી તરફ વળ્યા

જૂનાગઢ: જૂનાગઢની બજારમાં રાવણાંની ભરપૂર આવક થઈ રહી છે. જૂનાગઢથી મોટા શહેરોમાં રાવણાં (જાંબુ) ની નિકાસ પણ થાય છે. ઔષધીય ગુણો ધરાવતાં રાવણાંની જબરી માંગ છે. ખાસ કરીને ડાયાબિટીસ જેવા રોગો માટે અત્યંત ગુણકારી હોવાથી રાવણાંની માંગ વધી છે અને રાવણાંનું એક વૃક્ષ વર્ષે દહાડે 25 હજારથી વધુની કમાણી કરાવી આપે છે.

ઉનાળાની ઋતુ આવતાંની સાથે જ રાવણાં બજારમાં આવી જાય છે. બહારથી કાળા રંગનું અને અંદરથી જાંબલી રંગનું આ ફળ ખુબ જ ઔષધીય ગુણો ધરાવે છે. રાવણાં એ દેશી નામ છે. આ ફળ જાવા પ્લમ, બ્લેક પ્લમ અથવા કાળા જાંબુ તરીકે પણ ઓળખાય છે. પરંતુ જૂનાગઢમાં આ ફળ રાવણાંના નામથી ઓળખાય છે. હાલ ઉનાળામાં આ ફળની શરૂઆત થાય છે અને ચોમાસાં સુધી બજારમાં જોવા મળે છે. રાવણાંની આમ તો કોઈ ખેતી થતી નથી. પરંતુ શેઢાં પાળે તેના વૃક્ષો હોય છે અને ઝુમખામાં આ ફળ વૃક્ષ પર જોવા મળે છે.

જાવા પ્લમ એટલે કે રાવણાં પોષક તત્વોથી ભરપૂર છે અને ખાસ ડાયાબિટીસ જેવા દર્દ માટે ખૂબ જ ઉપયોગી અને ગુણકારી ફળ છે. રાવણાંના ફળ, તેની છાલ, પાન અને ઠળીયા સહીત તમામ રીતે આ ફળ અનેક રોગોમાં રામબાણ ઈલાજ તરીકે ઉપયોગમાં લેવાય છે.

જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે રાવણાંના વૃક્ષો આવેલા છે, સામાન્ય રીતે રાવણાંની ખેતી થતી નથી કે કોઈ ખેડૂત બાગાયતી પાક તરીકે લેતાં નથી. પરંતુ ખેતરના શેઢાં પાળે ઘણી જગ્યાએ રાવણાંના વૃક્ષો જોવા મળે છે. જો રાવણાંને ખેતી તરીકે લેવામાં આવે તો પણ તે ખૂબ જ ફાયદાકારક ખેતી છે. શેઢાં પાળે તેના વૃક્ષોનો ઉછેર કરવામાં આવે તો ફળની સાથે પાકનું રક્ષણ થાય છે.

રાવણાંના એક વૃક્ષમાં વર્ષે એક ફાલ આવે છે અને એક વૃક્ષ અંદાજે 15 થી 20 મણનો ઉતારો આપે છે અને એક વૃક્ષ અંદાજે 25 હજારથી વધુની કમાણી કરાવી આપે છે.

જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે રાવણાંના અનેક વૃક્ષો આવેલા છે. હાલ રાવણાંની સીઝન છે અને તેનો ઉતારો કરવા માટે ઈજારો આપી દેવાતો હોય છે. ઈજારેદાર રાવણાંનો ઉતારો કરીને તેને બજારમાં વેચે છે. હોલસેલમાં 150 થી 200 રૂપીયા પ્રતિ કિલોના ભાવે રાવણાં વેચાય છે, જે રીટેલ બજારમાં 250 થી 300 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જૂનાગઢમાં રાવણાંનું સારૂં એવું ઉત્પાદન થાય છે અને અમદાવાદ, દિલ્હી, મુંબઈ, કોલકાતા જેવા મોટાં શહેરોમાં તેની ખૂબ જ માંગ હોવાથી જૂનાગઢથી મોટાં શહેરોમાં તેની નિકાસ થાય છે.

કૃષિ યુનિ. ના બાગાયત વિભાગ દ્વારા પણ રાવણાંની ખેતી માટે ભલામણ કરવામાં આવે છે. કારણ કે રાવણાંની ખેતી ખૂબ જ ફાયદાકારક ખેતી છે. રાવણાંનું વૃક્ષ એક વખત ઉછેર થઈ ગયા પછી તેને ખાસ કોઈ માવજતની જરૂર રહેતી નથી અને જ્યારે ફળ આવે ત્યારે સારી એવી કમાણી કરાવી આપે છે. તેથી કોઈપણ જાતના ખર્ચ વગરની કમાણી રાવણાં કરાવી આપે છે. હાલ જૂનાગઢની બજારમાં રાવણાંની સારી એવી આવક જોવા મળી રહી છે અને તેની જબરી માંગને લઈને સારૂં એવું વેચાણ પણ થઈ રહ્યું છે.

(4:34 pm IST)