Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

જામજોધપુર-લાલપુરમાં સામાજિક અધિકારીતાની શિબિરમાં પૂનમબેન માડમના હસ્તે સહાયક ઉપકરણોનું વિતરણ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૨૬ :. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક નાગરીકને સમાન અધિકાર પ્રાપ્ત થાય તથા દિવ્યાંગજનો આત્મનિર્ભર બની સમાજની મુખ્યધારામાં તેઓનું યોગદાન આપી, રાષ્ટ્ર વિકાસમાં જોડાય તેવા પ્રયાસો ચરીતાર્થ થાય તે હેતુથી ભારત સરકારશ્રીના સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ અને એલીમ્કોના સહયોગથી દિવ્યાંગજનોને એડીપ યોજના અંતર્ગત નિઃશુલ્ક સહાયક ઉપકરણો જામનગર-દેવભૂમિ દ્વારકા સંસદીય મત વિસ્તારના જીલ્લામાં અર્પણ કરવા માટેના વિતરણના કાર્યક્રમો યોજાયેલ છે. જામજોધપુર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ પટાંગણમાં અને લાલપુર ખાતે ભાલારાદાદા મંદિરના સ્થળે સાંસદ પૂનમબેન માડમના હસ્તે સહાયક ઉપકરણોના વિતરણ કરવાના કાર્યક્રમો યોજાયા હતા.

જામજોધપુર ખાતે પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા અને પૂર્વ ધારાસભ્ય અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન બ્રિજરાજસિંહ જાડેજા, પાલિકા પ્રમુખ રવિભાઈ શિહોરા, જીલ્લા પંચાયત સદસ્ય લાલજીભાઈ સુતરીયા, ગીરીશભાઈ વરવાળા, તાલુકા ભાજપ પ્રમુખ જે.ટી. ડોડીયા, ભાજપ પ્રમુખ જયેશભાઈ ભાલોડીયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ દેવાભાઈ મેર અને અગ્રણી અમુભાઈ વૈશ્નાણી અન્ય ચૂંટાયેલા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જામજોધપુરમાં ૨૧૯ લાભાર્થીઓને ૩૯૭ સહાયક ઉપકરણોનું વિતરણ કરાયુ હતું.

લાલપુર ખાતે સાંસદ પૂનમબેન માડમની સાથે પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા અને પૂર્વ ધારાસભ્ય અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન પૃથ્વીરાજસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ ધનાભાઈ કાંબરીયા, ઉપપ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, કારોબારી ચેરમેન કૌશિકભાઈ ખાંટ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ આલસુરભાઈ ખરા, જીલ્લા પંચાયત સદસ્ય કે.બી. ગાગીયા અને વિનોદભાઈ વાડોદરીયા, જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, તાલુકા ભાજપ પ્રમુખ અરસીભાઈ કરંગીયા તથા મહામંત્રી ભવાનભાઈ ચૌહાણ વિગેરેની ઉપસ્થિતિમાં ૬૧૨ લાભાર્થીઓને ૫૩૨ સહાયક ઉપકરણોનું વિતરણ કરાયુ હતું.

જામનગર-દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દિવ્યાંગજનોને જરૂરી સહાયક સાધનો મળી રહે તે માટે જામનગર સાંસદ પૂનમબેન માડમની જહેમત અને સતત મોનીટરીંગ તથા ભારત સરકારમાં સમયાંતરે રજૂઆત તથા યોગ્ય પ્રયાસોથી જામનગર જિલ્લામાં દિવ્યાંગજનોને વિનામૂલ્યે સહાયક સાધનનો લાભાર્થીઓને તબક્કાવાર વિતરણના કાર્યક્રમો યોજાયેલ છે. હાલારના બન્ને જીલ્લાના ૩૮૦૫ દિવ્યાંગોને રૂ. ૩ કરોડ ૫૭ લાખની કિંમતના ૬૨૨૫ ઉપકરણોનું વિતરણ કરવામાં આવનાર છે.

(12:51 pm IST)