Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

કેશોદમાં પિતા અને પુત્રને ભરખી ગયો કાળમુખો કોરોના

બ્રાહ્મણ પરિવારમાં પિતાના મૃત્યુના ત્રીસ દિવસ બાદ એકના એક પુત્રનું પણ મૃત્યુ થતાં પરિવાર નોંધારો બન્યો

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ તા. ૨૬ : હાલ તો કોરોના સંક્રમણના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આમછતાં હાલમાં પણ કોરોના લોકોના જીવ લઈ રહ્યો છે. કેશોદમાંથી એક દુઃખદ ઘટના સામે આવીછે. જેમાં એકજ બ્રાહ્મણ પરિવારના બે સભ્યો પિતા પુત્રને કાળમુખો કોરોના ભરખી જતા પરિવાર ગમગિની સાથે શોકમાં ગરકાવ થઈ ગયેલ છે.

કેશોદ શહેરમાં રહેતાં બ્રાહ્મણ પરિવારમાં કોરોનાનાં કારણે પિતાના મૃત્યુના ફકત ૩૦ દિવસ બાદ જ પુત્રનું પણ મોત કોરોનાના કારણે થતા પિતા અને પુત્રના મોતથી ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિના રાવલ પરિવાર પર આભ તુટી પડ્યું છે.

કેશોદમાં રહેતાં એસટીનાં નિવૃત્ત્। અધિકારી અને ઔદીચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ કેશોદનાં ટ્રસ્ટી આગેવાન રસીકભાઈ ભાણજીભાઈ રાવલનું ૨૨ મેનાં રોજ કોરોનાથ અવસાન થયુ હતુ. પિતાના મૃત્યુના એક દિવસ બાદ પુત્ર જીગર રાવલ કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં દાખલ થયેલ હતો. પિતાના મૃત્યના એક મહિના બાદ ૨૪ જૂનનાં રોજ કોરોના સામે જીગર જંગ હારી જતા અવસાન થયાના સમાચાર પરિવારમાં મળતા પરિવારમાં આક્રંદ સાથે અરેરાટી મચી ગયેલહતી.

રસીકભાઈ રાવલને સંતાનોમાં ત્રણ પુત્રીઓ ઈલાબેન, માલાબેન અને સોનલબેન બાદ નાનો પુત્ર જીગર રાવલ હતો. જેઓ પિતા પુત્રનું કોરોનામાં મૃત્યુ થતાં, હવે માતા લીલાબેન અને પૌત્ર પ્રિન્સે નાની ઉંમરમાં દાદા અને પિતાની છત્રછાયા ગુમાવી છે.

યુવા જીગર રાવલ કેશોદ ઉપરાંત આસપાસના વિસ્તારમાં યુવાનોમાં જબ્બર લોકચાહના ધરાવતાં હતાં. ત્યારે અચાનક અવસાન થયાનાં સમાચારથી સમગ્ર બ્રહ્મ સમાજ અને મિત્ર વર્તુળમાં સ્તબ્ધતા છવાઈ ગઈ છે. જીગર રાવલનો ૨૨ મેના રોજ તેમનો જન્મદિવસ ગયો હતો. રસીકભાઈ રાવલ અને જીગર રાવલ પિતા પુત્ર બન્ને બ્રહ્મ સમાજના આગેવાનના નાતે અન્ય સમાજમાં પણ સારૂ એવું વર્ચસ્વ અને ચાહના ધરાવતા હતા. કેશોદના દરેક સમાજના જરૂરિયાતમંદ દરેક પરિવારને કોઈ પ્રકારની પ્રસિધ્ધિ વગર મદદરૂપ બનનાર જીગર રાવલ અને તેના પિતા રસીકભાઈ રાવલના અવસાનથી કેશોદ બ્રહ્મ સમાજમાં ગમગિની છવાઈ ગયેલ છે.

(12:49 pm IST)