Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

વિંછીયામાં પ્રકાશ કોળીની હત્યામાં ત્રણેય શખ્સોની છાસિયા ગામેથી ધરપકડ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૬ : વીંછિયા ખાતે કોળી યુવાનની હત્યા બાદ પોલીસે હત્યા પ્રકરણમાં ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.

રાજુભાઇ તુલસીદાસ નિમ્બાર્ક, જયદીપ રાજુ નિમ્બાર્ક અને વિજય મનુભાઈ નિમ્બાર્ક એમ ત્રણેય આરોપીઓને વીંછિયા તાલુકાના છાસિયા ગામ નજીકથી ઝડપી લીધા હતા. વિંછીયામાં કોળી યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગઇ હતી. મૃતક યુવાન આઇસર લઇને ઘઉં ખાલી કરવા જઇ રહ્યો હતો ત્યારે આઇસર વીજ પોલ સાથે અથડાતા થાંભલા નજીક આવેલા મેડીકલના સંચાલકે માથાકુટ કર્યા બાદ છરી અને પાઇપ વડે હુમલો કરી ગુનાને અંજામ આપ્યો હતો આ અંગે વિંછીયા પોલીસ મથકે ૩ આરોપી સામે હત્યાનો ગુનો નોંધાયો હતો.

વિંછીયાના ગુંદાળા (જસ) ગામે રહેતો પ્રકાશ બુધ્ધાભાઇ કટેશીયા (ઉ.વ.૨૭) મહેશ વિનુભાઇ રોજાસરાની સાથે આઇસરનું ડ્રાઇવીંગ કરે છે. ગુરૂવારે આ બંને આઇસરમાં ઘઉં ભરી વિંછીયાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા નજીકની શેરીમાં ખાલી કરવા જતા હતા ત્યારે મોડી રાત્રે આઇસર મારૂતિ મેડીકલ પાસે વીજ પોલ સાથે અથડાતા થાંભલો પડી ગયો હતો. મારૂતિ મેડીકલવાળા રાજુભાઇ તુલસીદાસ નિમ્બાર્ક (રહે. વિંછીયા) દોડીને બહાર આવ્યા હતા અને આઇસર સવાર મહેશ અને પ્રકાશ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા.

દરમિયાન રાજુભાઇએ પ્રકાશને ફડાકા ઝીંકી દીધા હતા અને કહ્યું હતું કે 'તારે જેને બોલાવવા હોય તેને બોલાવી લે, હું થોડીવારમાં પાછો આવું છું.' એમ કહી રાજુ ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં મહેશભાઇએ જેનુ આઇસર છે તે તેમના મોટા બાપુજીના દિકરા રાકેશ રોજાસરાને ફોન પર ઘટનાની જાણ કરી હતી અને પ્રકાશ તથા મહેશ બંને મોટર સાયકલમાં વિંછીયાની સત્યજીત સોસાયટીમાં રાજુભાઇના ઘરે તેમને સમજાવવા પહોંચ્યા હતા જયાં રાજુભાઇ સાથે તેનો દિકરો જયદીપ રાજુ નિમ્બાર્ક પણ હાજર હતો તેમજ તેનો ભત્રીજો વિજય મનુભાઇ નિમ્બાર્ક પણ ત્યાં હતા. મહેશ અને પ્રકાશ રાજુભાઇને સમજાવી રહ્યા હતા ત્યાં જ જયદીપ લોખંડનો પાઇપ લઇ ઘરની બહાર નીકળ્યો અને મહેશ તથા પ્રકાશને બેફામ માર મારવા લાગ્યો હતો. બાદમાં રાજુભાઇના ભત્રીજો વિજય ઘરમાંથી બહાર નીકળ્યો અને પ્રકાશને પકડી રાખ્યો હતો અને રાજુભાઇએ છરી કાઢી પ્રકાશના પેટના ભાગે છરીના ઘા ઝીંકયા હતા જેથી મહેશભાઇને રાડારાડી કરી મુકતા ત્રણેય આરોપી નાસી છુટયા હતા. દરમિયાન મહેશનો પિતરાઇ ભાઇ રાકેશ રોજાસરા ત્યાં આવી પહોંચ્યો હતો અને લોહી લુહાણ હાલતમાં પ્રકાશને વિંછીયા સરકારી દવાખાને ૧૦૮માં ખસેડયો હતો. વિંછીયા હોસ્પિટલે હાજર તબીબે પ્રકાશને તપાસી મૃત જાહેર કર્યો હતો.

બનાવના પગલે વિંછીયા પીએસઆઇ ચાવડા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયો હતો. બનાવની જાણ મૃતકના ભાઇ સુનિલ બુધ્ધાભાઇ કટેશીયા (ઉ.વ.૨૭) ને થતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

(12:03 pm IST)