Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

જામનગર મહિલા પોલીસ સ્ટેશનનો કર્મચારી ૫ હજારની લાંચમાં ઝડપાયો : મહિલા પીએસઆઇ ફરાર

ફરિયાદીની સાળીને કોઇ શખ્સ ભગાડી જતા લાંચ માંગી'તી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૬ : જામનગરમાં મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી એસીબીની ટ્રેપમાં રંગે હાથે ઝડપાઇ ગયા છે. જયારે મહિલા પી.એસ.આઈ. ફરાર થઈ ગયા હતા.

જામનગરમાં મહિલા પોલીસ સ્ટેશનના વર્ગ-૩ના મહિલા PSI યુ.આર.ભટ્ટ દ્વારા એક વ્યકિત પાસે તેની સાળીને કોઈ વ્યકિત ભગાડી ગયો હતો. જેની તપાસદરમ્યાન તેના ખર્ચ માટે ૫૦૦૦ની માંગણી કરી હતી. જે અંગે લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરવામાં આવતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એ.સી.બી.ના પોલીસ સબ ઇન્સપેકટર એ. ડી. પરમારે સ્ટાફ સાથે છટકું ગોઠવ્યું હતું. આ છટકામાં મહિલા PSI યુ.આર.ભટ્ટ વતી મહિલા પોલીસ સ્ટેશનના લોકરક્ષક દળના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા દિવ્યરાજસિંહ ભરતસિંહ ઝાલા ને લાંચની માંગણીની રકમ પાંચ હજાર સ્વીકારતા જ ઝડપી પાડવામાં આવ્યો હતો.અને લાંચ પેટે સ્વીકારેલ પાંચ હજાર રૂપિયાની રિકવરી પણ કરી હતી. એસ.પી. કચેરી અને સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક જ આવેલ મહિલા પોલીસ સ્ટેશનમાં ખ્ઘ્ગ્ ની રેઇડ થી પોલીસબેડામાં ભારે ચર્ચા જોવા મળી હતી.

આ સમગ્ર પ્રકરણની વિગતો અનુસાર ફરીયાદીના સાળીને કોઈ શખ્સ ભગાડીને લઇ ગયેલ અને તેની તપાસ જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં PSI દ્વારા ચલાવવામાં આવતી હતી. જેથી પોલીસ સ્ટેશન ખાતે અવાર નવાર બોલાવી ફરિયાદી પાસે તેમની સાળીના કેસની વ્યવસ્થિત તપાસ કરેલ તેના ખર્ચા પેટે રૂ.૫૦૦૦ ની ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવી હતી.જે આવી લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરતા, ફરિયાદીની ફરિયાદ આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવતા, મહિલા પીએસઆઈએ ફરિયાદીને લાંચના રૂ.૫૦૦૦ તેના ડ્રાઈવરને આપવા માટે કહેવામાં આવ્યું હતું અને ફરિયાદી પાસે લાંચની રકમ લેવા જતા રંગેહાથ ડ્રાઇવર ઝડપાઇ ગયો હતો. જોકે આ એક દરમિયાન મહિલા પીએસઆઇ ભટ્ટ ભાગી છૂટયા હતા.(તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(12:02 pm IST)